23 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી સાથે
સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ માર્ચ મહિનામાં દીકરીને જન્મ આપ્યો હતો. હાલમાં સુનીલે એક ઇન્ટરવ્યુમાં દીકરીની ડિલિવરી વિશે વાત કરી હતી. જોકે આ વાત કરતી વખતે તે વિવેક ચૂકી જતાં લોકોએ તેને અસંવેદનશીલ ગણાવ્યો હતો અને તે સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયો હતો.
સુનીલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘અથિયાએ સી-સેક્શન (સિઝેરિયન)ને બદલે નૉર્મલ ડિલિવરી પસંદ કરી, જેને કારણે મને તેના પર ગર્વ છે. હાલમાં જ્યારે મોટા ભાગની મહિલાઓ સિઝેરિયન દ્વારા બાળકને જન્મ આપીને આરામ મેળવવા માગે છે ત્યારે અથિયાએ એવું ન કર્યું. તેણે નૉર્મલ ડિલિવરી કરાવી. મને યાદ છે કે હૉસ્પિટલમાં તમામ નર્સ અને ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરે કહ્યું હતું કે તેણે ભારે હિંમતપૂર્વક બાળકીને જન્મ આપ્યો છે. એક પિતા તરીકે આ બાબત મને ખૂબ પ્રભાવિત કરે છે. હું વિચારતો હતો કે વાહ, તે આને માટે તૈયાર હતી. અથિયા બહુ મજબૂત હતી. ’
સુનીલ શેટ્ટીની સિઝેરિયન ડિલિવરી વિશેની કમેન્ટ લોકોને નથી ગમી. એક વ્યક્તિએ લખ્યું કે સી-સેક્શન આરામદાયક છે, આ નવી વાત ખબર પડી. તો એક અન્ય વ્યક્તિએ લખ્યું, ‘આમાં ગર્વ અનુભવવાની શું વાત છે? આ રીતે હોય કે બીજી રીતે, બાળક અને માતા સુરક્ષિત હોવાં જોઈએ. બાળકને જન્મ આપવો એ સી-સેક્શન કે નૉર્મલ ડિલિવરી વિશે નથી. શરમ આવે છે એવા લોકો પર જેઓ હજી પણ આવું વિચારે છે. ફક્ત એક પુરુષ જ આવું વિચારવાની હિંમત કરી શકે કે સી-સેક્શન આરામદાયક છે.’