29 July, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅકલિન ફર્નાન્ડિસ
જૅકલિન ફર્નાન્ડિસ ઘણી વાર ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે નામ જોડાવાને કારણે ચર્ચામાં રહે છે. જૅકલિને અનેક વાર જાહેરમાં સ્પષ્ટતા કરી છે કે બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી, પરંતુ સુકેશ તક મળે ત્યારે જેલમાંથી જૅકલિન પ્રત્યેના પોતાના પ્રેમનું પ્રદર્શન કરતો રહે છે. હવે ફરી એક વાર તેણે આવું જ કંઈક કર્યું. જૅકલિન ફર્નાન્ડિસનું લેટેસ્ટ ગીત ‘દમ દમ’ જોયા બાદ તેણે ઍક્ટ્રેસના ચાહકો માટે ગિફ્ટ આપવાની જાહેરાત કરી દીધી છે.
સુકેશ ચંદ્રશેખરે હવે જૅકલિન ફર્નાન્ડિસના નામે એક પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે ‘મેં તારું નવું ગીત ‘દમ દમ’ જોયું છે. એ મને ખૂબ જ પસંદ આવ્યું. ગીતની દરેક લાઇનને મેં મારી જાત સાથે અને આપણી સ્ટોરી સાથે જોડીને એનો અહેસાસ કર્યો. ગીતની આ લાઇન ‘તેરે બિના નિકલે હૈ દમ-દમ, સાંસેં હૈં સીને મેં કમ-કમ...’ આપણી વર્તમાન સ્થિતિ પર બિલકુલ સચોટ બેસે છે બેબી. તારી પાસે ઘણાં ગીતો આવતાં હશે, પરંતુ તેં આપણી વાર્તા માટે પર્ફેક્ટ ગીત પસંદ કર્યું. આ તારો મારા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.’
એટલું જ નહીં, સુકેશે ગીતને પ્રમોટ કરવા માટે એક મોટી જાહેરાત પણ કરી દીધી છે. સુકેશે ગર્લફ્રેન્ડ જૅકલિનના ચાહકો માટે લકી ડ્રૉની જાહેરાત કરી છે. સુકેશે પોતાના પત્રમાં લખ્યું, ‘હવે મારો વારો છે બેબી... હું આ ગીતને ૨૦૨૫નું સૌથી લોકપ્રિય ગીત બનાવી દઈશ. હું આ મ્યુઝિક-વિડિયોની કમેન્ટમાંથી ૧૦ લકી યુઝર્સને પસંદ કરીને ફુલી ફર્નિશ્ડ 2 BHK ફ્લૅટ આપીશ જેની દરેકની કિંમત ૧ કરોડ રૂપિયા હશે. બરાબર ૯૦ દિવસ પછી એક ઑનલાઇન લકી ડ્રૉ યોજાશે જેમાં ૧૦ લવલી ફૅન્સને નવું ઘર મળશે. દુનિયા આ ઘટનાને લાઇવ જોશે.’
જેલમાં કેમ છે સુકેશ?
૨૦૦ કરોડ રૂપિયાના મની-લૉન્ડરિંગ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખરને જેલની હવા ખાવી પડી રહી છે. સુકેશ સાથે જૅકલિન લાંબા સમયથી રિલેશનશિપમાં હતી. જોકે સુકેશની ધરપકડ બાદથી તેના માટે પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ ઉપરાંત સુકેશના ગર્લફ્રેન્ડ જૅકલિનના નામે લખાયેલા ઓપન લેટર્સ સોશ્યલ મીડિયાની દુનિયામાં ચર્ચા સર્જતા રહે છે.