સુચિત્રા સેને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ સ્વીકારવાની પણ ના પાડી દીધેલી

18 January, 2014 07:20 AM IST  | 

સુચિત્રા સેને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ સ્વીકારવાની પણ ના પાડી દીધેલી




૨૦૦૫માં જ્યારે તેમને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ એનાયત થયો ત્યારે એ અવૉર્ડ સ્વીકારવા માટે તેમણે જાહેરમાં આવવું પડે એવા સંજોગો ઊભા થતાં તેમણે અવૉર્ડ સ્વીકારવાની ના પાડી દીધી હતી. ૮૨ વર્ષનાં બંગાળી ઍક્ટ્રેસ સુચિત્રા સેને કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સિત્તેરના દશક પછી તે અંતમુર્ખ થઈ ગયાં અને તેમણે જાહેરમાં આવવાનું ટાળવા માંડ્યું. છેલ્લા થોડા સમયથી સુચિત્રા સેનની તબિયત નાજુક રહેતી હતી. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં ત્યારે ફૅમિલી-મેમ્બરો એટલે કે દીકરી મુનમુન સેન અને બે દોહિત્રી રાઇમા અને રિયા સેન સિવાય કોઈને મળવાની પરમિશન આપવામાં નહોતી આવી. એકમાત્ર પશ્ચિમમ બંગનાં ચીફ મિનિસ્ટર મમતા બૅનરજી એવાં હતાં કે જે આ મહાનાયિકાને હૉસ્પિટલમાં મળવા માટે ગયાં હતાં. બંગાળી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર બુદ્ધદેબ દાસગુપ્તાએ કહ્યું હતું કે ‘સુચિત્રાએ જ્યારે એકાંતવાસ પસંદ કરી લીધો અને બધાને મળવાનું બંધ કરી દીધું એ જ દિવસથી આપણે સૌ તેને ગુમાવી બેઠા હતા. તેણે આવું શું કામ કર્યું એ એક રહસ્ય છે. આપણી પાસે હવે તેની ફિલ્મોની યાદો સિવાય કંઈ બચ્યું નથી.’

સુચિત્રા સેને પોતાની કરીઅર દરમ્યાન ક્યારેય ઋત્વિક ઘટક કે મૃણાલ સેન જેવા બંગાળી ફિલ્મોના જાણીતા ફિલ્મ-પ્રોડ્યુસર કે ડિરેક્ટર સાથે કામ નહોતું કર્યું. એક સમયે સુચિત્રા સેને ભારતીય ફિલ્મજગતના ખ્યાતનામ ફિલ્મ-ડિરેક્ટર સત્યજિત રે સાથે કામ કરવાની પણ ના પાડી દીધી હતી. સત્યજિત રેના દીકરા સંદીપ રેએ કહ્યું હતું કે મારા પપ્પાને ૧૯૬૦ના અરસામાં સુચિત્રા સેન સાથે ફિલ્મ ‘ચૌધરાની’ બનાવવી હતી, પણ તેમણે હા પાડી નહીં અને એ ફિલ્મ ક્યારેય બની નહીં.

સુચિત્રા સેને પોતાની હિન્દી ફિલ્મની કરીઅર ૧૯૫૫માં બિમલ રૉયની ફિલ્મ ‘દેવદાસ’થી કરી હતી. એ ફિલ્મમાં સુચિત્રાએ પારોનું કૅરૅક્ટર કર્યું હતું તો દિલીપકુમાર દેવદાસ બન્યા હતા. સુચિત્રા સેન સાથેની પોતાની યાદો વાગોળતાં દિલીપકુમારે કહ્યું હતું કે ‘તે જન્મજાત ઍક્ટ્રેસ હતી. તેનું ટાઇમિંગ અને સીન માટે તૈયારીની જે ઝડપ હતી એ અદ્ભુત હતી. ‘દેવદાસ’ના અમુક સીન માટે તે એકદમ પર્ફે‍ક્ટ અને અદ્ભુત હતી. અમારી વિચારવાની દિશા હંમેશાં એક રહેતી. મારી જેમ જ તે ઇમોશનલ સીન માટે પૂર્વતૈયારીઓ સાથે આવતી. સ્વભાવે તે શાંત હતી, પણ કેટલીક વખત તે સેન્સ ઑફ હ્યુમરના એવા દાખલા આપતી કે અમને સૌને પણ આર્ય થતું. મેં મારી કરીઅરમાં જે કોઈ ઍક્ટ્રેસ સાથે કામ કર્યું છે એ બધીમાં સૌથી સીધીસાદી અને સરળ જો કોઈ હોય તો તે સુચિત્રા હતી.’

સુચિત્રા સેને દેવ આનંદ સાથે ‘બમ્બઈ કા બાબુ’, અશોકકુમાર અને ધર્મેન્દ્ર સાથે ‘મમતા’ જેવી ફિલ્મો કરી હતી, પણ ડિરેક્ટર ગુલઝારની ફિલ્મ ‘આંધી’એ જબરદસ્ત વિવાદ પકડ્યો હતો. એ સમયે એવી વાતો થતી હતી કે સુચિત્રા સેનનું કૅરૅક્ટર ઇન્દિરા ગાંધી પરથી ડેવલપ કરવામાં આવ્યું છે. આ કૅરૅક્ટર માટે સુચિત્રા સેનનાં જબરદસ્ત વખાણ થયાં હતાં.