પહાડી છોકરી લાગતી હોય તેવી હિરોઇનની તલાશ છે

03 December, 2012 06:40 AM IST  | 

પહાડી છોકરી લાગતી હોય તેવી હિરોઇનની તલાશ છે




(ઇન્ટરવ્યુ)


તમે આ ફિલ્મ માટે નવા ચહેરાને શા માટે સાઇન કરવા માગો છો?


મેં આ ફિલ્મની હિરોઇન માટે અમુક માપદંડ નક્કી કર્યા છે અને મને લાગે છે કે હવે મારી નવી પ્રતિભાઓને પણ તક આપવી જોઈએ. મને ૧૮થી ૨૨ વર્ષની વયજૂથની છોકરીની તલાશ છે. આ ફિલ્મમાં હિરોઇન પહાડી હોવાને કારણે તેનાં ફીચર્સ એવાં હોય એ બહુ જરૂરી છે.

આ ફિલ્મમાં તમે ‘કર્ઝ’નાં ત્રીસ વર્ષ પછી ફરી રિશી કપૂર સાથે કામ કરી રહ્યા છો...


રિશીએ ૧૯૮૦માં મારી ફિલ્મ ‘કર્ઝ’માં ટીના મુનીમ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી અમે અનેક વાર સાથે કામ કરવાનું પ્લાનિંગ કર્યું પણ એ શક્ય નહોતું બન્યું. આને કારણે અમને સાથે કામ કરવામાં ત્રણ દાયકા કરતાં વધારે સમય લાગી ગયો. રિશી સાથે પ્રોફેશનલ કરતાં વધારે પર્સનલ સંબંધ છે. તે મારા પરિવારના સભ્ય જેવો છે અને અમે હંમેશાં એકબીજાના ટચમાં રહીએ છીએ. ‘કર્ઝ’નું મારી કરીઅરમાં બહુ મહત્વ છે અને આને બનાવવામાં ગાળેલી દરેક ક્ષણ આજે પણ મને યાદ છે.

આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી પણ છે અને...


તે પણ બહુ ટૅલન્ટેડ છે. મને ખાતરી છે કે આ ફિલ્મમાં હું તેમને જે રીતે રજૂ કરીશ એવી રીતે તેમને એક પણ ફિલ્મમાં દર્શકોએ નહીં જોયા હોય.

તમને તમારી છેલ્લી ફિલ્મ ‘યુવરાજ’ પછી બીજી ફિલ્મની જાહેરાત કરતાં ચાર વર્ષ લાગી ગયાં તો શું એ માટે ‘યુવરાજ’ની નિષ્ફળતા જવાબદાર છે?


એ વાત સાચી છે કે મને આ જાહેરાત કરવામાં થોડો વધારે સમય લાગી ગયો, પણ હું મારી ગતિથી જ કામ કરવા ટેવાયેલો છું જેને કારણે મેં ૧૯૯૨થી ૨૦૧૦ સુધી માત્ર ચાર ફિલ્મો જ બનાવી છે. જ્યાં સુધી ‘યુવરાજ’ની નિષ્ફળતાનો સવાલ છે ત્યાં સુધી દરેક ફિલ્મમાંથી કંઈ ને કંઈ શીખવાનું મળે છે. મને સૌથી વધારે ૨૦૦૮ની ફિલ્મ ‘બ્લૅક ઍન્ડ વાઇટ’માંથી શીખવા મળ્યું. મને એટલી જ ખબર છે કે તમારા હાથમાં મહેનત કરવાનું હોય છે અને બાકી દર્શકો જ ફિલ્મનું ભવિષ્ય નક્કી કરતા હોય છે.

તમે દેઓલપરિવાર સાથે ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો?


હા, પણ હજી આ પ્રોજેક્ટ પ્લાનિંગના તબક્કામાં છે. મેં તે લોકો લંડનમાં ‘યમલા પગલા દીવાના ૨’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે પણ ત્યાં મુલાકાત લીધી હતી. મારા સની, બૉબી અને ધર્મેન્દ્ર ત્રણેય સાથે બહુ સારા સંબંધો છે અને થોડા સમય બાદ આ પ્રોજેક્ટ શરૂ થશે.