હું નરમ દિલનો માણસ છું એટલે કોઈને જજ નથી કરી શકતો : શાહરુખ

04 October, 2014 03:57 AM IST  | 

હું નરમ દિલનો માણસ છું એટલે કોઈને જજ નથી કરી શકતો : શાહરુખ

આ પ્રમોશન માટે શાહરુખ ‘હૅપી ન્યુ યર’ની ટીમ સાથે મળીને ‘દિલ સે નાચેં ઇન્ડિયાવાલે’ નામનો રિયલિટી શો ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટ તરીકે લાવી રહ્યો છે જે ૧૧ ઑક્ટોબરે ઝી ટીવી પર પ્રસારિત થશે. આ રિયલિટી શો માટે શાહરુખ મુંબઈ, દિલ્હી, ઇન્દોર અને અમદાવાદમાં એવા ડાન્સરોની શોધ કરશે જે લાખો લોકો સામે ડાન્સ કરીને તેમને ખુશ કરી શકે. આ શોમાં ડાન્સરોને જજ કરવાની વાત પર ગુરુવારે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કિંગ ખાને કહ્યું હતું કે ‘હું નરમ દિલનો માણસ છું અને એટલે લોકોને જજ નથી કરી શકતો. હું તો બધાને દસમાંથી દસ માર્કસ આપી દઉં એવો છું. પહેલાં પણ એક બ્યુટી-કૉન્ટેસ્ટમાં પાર્ટિસિપન્ટ્સને જજ કરવા માટે મેં બીજાં જજ તરીકે બેસેલાં વહીદા રહેમાનજીની મદદ લીધી હતી. મેં તેમને પૂછેલું કે તમે કેટલા માર્કસ આપી રહ્યાં છો, જેથી હું પણ એટલા માર્કસ આપી દઉં; કારણ કે હું સ્પર્ધકોને જજ નહોતો કરી શકતો.’હું કોઈ પણ શોને જજ કરવાનું ટાળું છું એમ જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘એને બદલે દરેક સ્પર્ધકને એમ કહેવાનું પસંદ કરીશ કે તું સારું કરી રહ્યો છે, કારણ કે મારી સાથે એવું થયું છે. મારામાં બહુ ટેલેન્ટ નથી, પણ લોકોએ હંમેશાં મને દસમાંથી દસ માર્કસ આપ્યા છે.’

૧૦૦ કરોડનો બિઝનેસ તો બહુ ઓછો કહેવાય


શાહરુખ ખાન કહે છે કે આપણી ફિલ્મોએ હૉલીવુડની અવતાર જેટલો નહીં તો પણ એનો અડધો બિઝનેસ તો કરવો જોઈએ.આજકાલ બૉલીવુડમાં કોઈ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લે તો એના મેકરો ખુશ-ખુશ થઈ જાય છે, પણ શાહરુખ ખાન માને છે કે આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ મોટાં સપનાં જોવાની જરૂર છે. એક પ્રેસ-કૉન્ફરન્સમાં ફિલ્મોની ૧૦૦ કરોડની કમાણીના મુદ્દા પર શાહરુખ ખાને કહ્યું હતું કે ‘૧૦૦ કરોડ તો બહુ ઓછા કહેવાય. આ તો પોતાને એક મર્યાદામાં બાંધી લેવા જેવું છે. જે લોકો ફિલ્મોને અને ફિલ્મોની ક્રીએટિવિટીને નથી સમજતા એ લોકો અમને આવાં, ૧૦૦ કરોડની ક્લબ જેવાં ચોકઠાંઓમાં મૂકી દે છે. હું તો ઇચ્છીશ કે આપણી દરેક ફિલ્મ ધરખમ બિઝનેસ કરે. જો આપણે વૈશ્વિક સ્તરે આપણી છાપ છોડવી હોય તો ૧૦૦ કરોડ રૂપિયા ખૂબ ઓછા કહેવાય. હું ઇચ્છીશ કે આપણી દરેક ફિલ્મ હૉલીવુડની ‘અવતાર’ જેટલો બિઝનેસ કરે, એટલો નહીં તો એના પચાસ ટકા જેટલો તો કરે.’‘અવતાર’નો બિઝનેસ હતો ૧૬૬.૮૦ અબજ રૂપિયા.