યશ ચોપડા ભોગ બન્યા યશરાજ સ્ટુડિયોમાંના ડેન્ગીના મચ્છરોનો?

24 October, 2012 02:56 AM IST  | 

યશ ચોપડા ભોગ બન્યા યશરાજ સ્ટુડિયોમાંના ડેન્ગીના મચ્છરોનો?



ફિલ્મસર્જક યશ ચોપડાના અવસાન પછી મહાનગરપાલિકાએ તેમના મૃત્યુનું કારણ કન્ફર્મ કરવા માટે હૉસ્પિટલ પાસે તેમના ડેથ સર્ટિફિકેટની નકલ માગી હતી. આખરે કૉર્પોરેશનને ગઈ કાલે આ નકલ મળી ગઈ છે. આ ડેથ સર્ટિફિકેટની વિગતો પ્રમાણે યશ ચોપડાનું અવસાન મલ્ટિપલ ઑર્ગન ફેલ્યરને કારણે ન્યુમોનિયાની સાથે આખા શરીરમાં સેપ્સિસ થઈ જતાં થયું હતું અને આ પરિસ્થિતિ ડેન્ગી થવાને કારણે ઊભી થઈ હતી. હવે રાજ્ય સરકારની ડેથ રિવ્યુ કમિટી આ રિપોર્ટના આધારે નક્કી કરશે કે ૨૦૧૨ના ઑક્ટોબર સુધી ડેન્ગીને કારણે મૃત્યુ પામેલા લોકોનો મરણાંક ત્રણ છે કે ચાર.

આ વિશે વાત કરતાં ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર મોહન અડતાણીએ કહ્યું હતું કે ‘અમે આવતી કાલે કમિટીની મીટિંગ બોલાવી છે. આ કમિટીમાં સર જે. જે. હૉસ્પિટલના ડૉક્ટરો, મહાનગરપાલિકાના હેલ્થ-ઑફિસરો તેમ જ એક્સપર્ટ્સનો સમાવેશ છે. આ બધા મળીને પરિસ્થિતિનું આકલન કરશે અને પછી યશ ચોપડાના મૃત્યુનું કારણ ડેન્ગી છે કે ન્યુમોનિયા એનું અંતિમ તારણ કાઢશે.’

૨૦૧૧માં ૪૧૬ ડેન્ગીના કેસની સરખામણીમાં આ વર્ષે એની સંખ્યા વધીને ૭૦૨ નોંધાઈ છે, જ્યારે આ વર્ષે ઑક્ટોબરમાં ડેન્ગીના ૧૯૮ કેસ નોંધાયા છે જે ગયા વર્ષના ૧૫૦ કેસ કરતાં ઘણા વધારે છે. કૉર્પોરેશનને ખ્યાલ આવી ગયો છે કે ડેન્ગી માટે જવાબદાર મચ્છરો માત્ર ઝૂંપડપટ્ટીમાં જ નહીં, બંગલાઓ અને અપાર્ટમેન્ટમાં પણ વિકાસ પામે છે. યશ ચોપડા જેવા ખ્યાતનામ ડિરેક્ટર પણ ડેન્ગીનો ભોગ બન્યા હોવાની ઘટનાને પગલે મહાનગરપાલિકાને લાગે છે કે ડેન્ગી પર શક્ય એટલો જલદી કન્ટ્રોલ મેળવી લેવાની જરૂર છે અને એટલે એણે શહેરમાં મચ્છરનાશક ધુમાડાના છંટકાવના સેશન્સની સંખ્યા વધારી દીધી છે.

હેલ્થ-ઑફિસર ડૉક્ટર અરુણ બામણે સાથે વાત કરતાં તેમણે કહ્યું છે કે ‘અમારી પાસે રજિસ્ટર્ડ થયેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી શહેરમાં ડેન્ગીને કારણે ત્રણ મૃત્યુ થયાં છે અને યશ ચોપડાનું મૃત્યુ ડેન્ગીને કારણે થયું છે કે કેમ એનો નિર્ણય ડેથ કમિટી લેશે. હાલમાં મળતી માહિતીને કારણે યશ ચોપડાના મૃત્યુનું કારણ સેપ્સિસ સાથે ન્યુમોનિયા છે. નાગરિકોમાં ડેન્ગીને ફેલાતો અટકાવવા શું પગલાં લેવાં જોઈએ એની જાગૃતિ ફેલાય એ માટે અમે અલગ-અલગ ઑફિસો અને હાઉસિંગ સોસાયટીમાં પોસ્ટરો અને પૅમ્ફ્લેટ્સ લગાવવાનું શરૂ કરી દીધું છે.’

અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરતાં નામ ન આપવાની શરતે એક પેસ્ટ કન્ટ્રોલ ઑફિસરે કહ્યું હતું કે ‘આ વર્ષે ઑફિસ એરિયામાં સારાએવા ડેન્ગી ફેલાવતા મચ્છરનો ઉદ્ભવ થયો છે અને ખાસ કરીને જ્યાં ફેંગ શૂઈને લગતાં સાધનો જોવા મળે છે ત્યાં આ સમસ્યા વિશેષ રીતે જોવા મળે છે. બામ્બુ પ્લાન્ટમાં નિયમિત રીતે પાણી ન બદલાતું હોવાને કારણે એમાં મોટી સંખ્યામાં ડેન્ગી ફેલાવતા મચ્છરો ઉત્પન્ન થાય છે. યશ ચોપડાના કેસમાં પણ યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં મોટી સંખ્યામાં ડેન્ગી ફેલાવતા મચ્છરોનું બ્રીડિંગ જોવા મળ્યું છે.

રવિ ચોપડા આઇસીયુમાં

૨૧ ઑક્ટોબરે ફિલ્મમેકર યશ ચોપડાના ડેન્ગી અને મલ્ટિપલ ઑર્ગન ફેલ્યરને કારણે થયેલા અવસાનથી બૉલીવુડને ભારે આંચકો લાગ્યો છે ત્યારે ખબર પડી છે કે તેમના ભાઈ દિવંગત બી. આર. ચોપડાના ૬૬ વર્ષના પુત્ર રવિ ચોપડાની તબિયત દિવસે ને દિવસે વધારે કથળી રહી છે અને તેમનાં ફેફસાં સાવ નકામાં થઈ ગયાં હોવાથી તેમની તબિયત અસ્થિર છે. મળતી માહિતી પ્રમાણે તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઇસીયુ)માં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રવિ ચોપડાને ફેફસાંની વ્યાધિ સતાવી રહી છે અને તેઓ દેશમાં અને વિદેશમાં એની સારવાર લઈ રહ્યા છે. તેઓ અત્યારે હૉસ્પિટલમાં જ છે અને હલનચલન પણ નથી કરી શકતા જેને કારણે તેમણે વ્હીલ-ચૅરની મદદ લેવી પડે છે. રવિએ ‘ઝમીર’, ‘ધ બર્નિંગ ટ્રેન’, ‘બાબુલ’ અને ‘બાગબાન’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે અને ‘ભૂતનાથ’ પ્રોડ્યુસ કરી છે.