આ સાઉથ સુપરસ્ટારને હિન્દી ફિલ્મો કરવાની કોઈ ઈચ્છા નથી

10 October, 2011 08:23 PM IST  | 

આ સાઉથ સુપરસ્ટારને હિન્દી ફિલ્મો કરવાની કોઈ ઈચ્છા નથી

 

હાલમાં તેને પોતાની સાઉથની ફિલ્મોની સફળતાથી જ સંતોષ છે. મહેશબાબુ હાલમાં ડિરેક્ટર જગન્નાથ પુરીની આગામી ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ આવ્યો છે. પોતાની સફળતા વિશે વાત કરતાં તે કહે છે, ‘સલમાન ખાનને મુખ્ય ભૂૂમિકામાં ચમકાવતી ‘વૉન્ટેડ’ની મૂળ ફિલ્મ ‘પોખિરી’ બે વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી અને એને જબરદસ્ત સફળતા મળી હતી. જોકે પછી મારી ખાસ ઇમેજ બની ગઈ અને ત્યાર પછીની ફિલ્મોને ખાસ સફળતા નહોતી મળી. આ કારણે મેં એક વર્ષનો બ્રેક લીધો હતો અને ફરી ‘દોકુડુ’થી મને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. આ ફિલ્મને મળેલી સફળતાથી અમે બધા બહુ ખુશ છીએ.’

મહેશબાબુ સુપરસ્ટાર હોવા છતાં તેના મનમાં સફળતાની રાઈ નથી ભરાઈ અને તેનો અભિગમ બહુ મૈત્રીપૂર્ણ છે. તે પોતાના આ પ્રકારના અભિગમ પાછળના કારણની ચર્ચા કરતાં કહે છે, ‘મારા ફાધર ક્રિષ્ના સુપરસ્ટાર હોવા છતાં મારો ઉછેર સામાન્ય બાળકની જેમ જ થયો છે. અમારો પરિવાર રિક્ષામાં જ પ્રવાસ કરતો હતો અને અમે શક્ય એટલું સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરતા હતા. મેં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કેટલીક ફિલ્મો કરી હોવાને કારણે મારા અભ્યાસનું એક વર્ષ બગડ્યું હતું. આના કારણે મારા ફાધર ચિંતિત થઈ ગયા હતા. આ કારણે તેમણે મને માત્ર અભ્યાસ પર ધ્યાન કેãન્દ્રત કરીને મોટા થઈને જ અભિનય કરવાની સલાહ આપી હતી. આ કારણે પહેલાં જ્યારે લોકો મારી બહુ ચર્ચા કરતા હતા ત્યારે મને થોડો સ્ટ્રેસ અનુભવાતો હતો. જોકે હવે મને જ્યાં હું છું ત્યાં બહુ મજા આવી રહી છે. અહીં રોજ કેટલું બધું શીખવા મળે છે. હું એક વ્યક્તિ તરીકે રોજ વિકાસ પામી રહ્યો છું.’

સાઉથના અન્ય સુપરસ્ટાર સૂર્યા અને વિક્રમ હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે ત્યારે હિન્દી ફિલ્મોમાં કામ કરવાના આયોજન વિશે અને એક્સ-ઍક્ટ્રેસ નમ્રતા શિરોડકર સાથેના લગ્નની તેની લોકપ્રિયતા પર પડેલી અસર વિશે વાત કરતાં મહેશબાબુ કહે છે, ‘હિન્દી ફિલ્મોમાં કામ કરવાનો સવાલ છે ત્યાં સુધી મારી પાસે દક્ષિણમાં જ એટલું  બધું કામ છે કે હું ઇચ્છું તો પણ હાલમાં હિન્દી ફિલ્મોમાં કામ ન કરી શકું. ‘દોકુડુ’ને મળેલી સફળતાને કારણે મારી જવાબદારી વધી ગઈ છે. મને સાઉથની ફિલ્મોની સફળતાથી જ સંતોષ છે અને અત્યારે તો હિન્દી ફિલ્મમાં કામ કરવામાં રસ નથી. ‘દોકુડુ’ના ડિરેક્ટર આની હિન્દી આવૃત્તિ મારી સાથે બનાવવા માટે તત્પર છે, પણ હું સાઉથના મારા કામ પર જ ધ્યાન કેãન્દ્રત કરવા માગું છું. હું જ્યારે પણ હિન્દી ફિલ્મમાં કામ કરીશ ત્યારે સાઇડ રોલ કરવાને બદલે મુખ્ય રોલ જ કરીશ. નમ્રતાની વાત કરું તો તેની સાથેના લગ્નની મારી લોકપ્રિયતા પર કોઈ જ અસર નથી થઈ. મને તો લાગે છે લગ્ન પછી મારી લોકપ્રિયતામાં વધારો થયો છે. મારા પાંચ વર્ષના દીકરા ગૌતમના જન્મ પછી તો મારો જીવન પ્રત્યેનો અભિગમ જ બદલાઈ ગયો છે. મને લાગે છે પિતા બન્યા પછી જ વ્યક્તિને પૂર્ણ પુરુષ હોવાનો અહેસાસ થાય છે.’