31 July, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઈરલ લવ-લેટર
સોનુ સૂદની ગણતરી બૉલીવુડના ઉદારદિલ ઍક્ટર તરીકે થાય છે. કોવિડના સમયમાં તેણે લોકોની ખૂબ મદદ કરી હતી અને આ સિલસિલો આજે પણ ચાલુ છે. જોકે હાલમાં સોનુ અલગ જ કારણથી ચર્ચામાં છે. હકીકતમાં સોનુ જ્યારે નાગપુરમાં એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતો હતો ત્યારે તેણે ગર્લફ્રેન્ડને લખેલો લવ-લેટર સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે સોનુની એ ગર્લફ્રેન્ડ હાલમાં તેની પત્ની સોનાલી જ છે. સોનુએ ૧૯૯૬માં સોનાલી સાથે લગ્ન કર્યાં હતાં અને આ દંપતીને બે દીકરા છે.
સોનુએ આ લેટર તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો છે અને એમાં તેણે પોતાના દિલની વાત લખતાં કહ્યું છે, ‘પ્રિયતમ સોનાલી, વર્ષો આવશે અને જશે, પરંતુ હું તને ક્યારેય ભૂલી શકીશ નહીં. કારણ કે આ દિલ માનતું નથી. ઢગલાબંધ પ્રેમ સાથે, તું મારા માટે આખી દુનિયા છે.’ - સોનુ સૂદ.’
આ લેટર શૅર કરતી વખતે સોનુએ કૅપ્શનમાં લખ્યું હતું, ‘સમય કેટલો ઝડપથી પસાર થાય છે. આ નોંધ મેં વર્ષો પહેલાં કૉલેજના દિવસોમાં લખી હતી. એ દુનિયા જ્યારે આપણે સોશ્યલ મીડિયાના ગુલામ નહોતા.’