28 May, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
લોકોના મસીહા કહેવાતા અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોરોના વાયરસ (COVID-19)ના લોકડાઉન (Lockdown) દરમિયાન સામાજિક કાર્ય માટે પ્રખ્યાત બૉલિવુડ (Bollywood) અભિનેતા સોનુ સૂદનો સ્પીતિ વેલી (Spiti Valley)માં હેલ્મેટ વગર બાઇક ચલાવતો જોવા મળતો એક જૂનો વીડિયો સામે આવ્યા બાદ તે મુશ્કેલીમાં મુકાયો છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં હેલ્મેટ વગર ટુ-વ્હીલર એટલે કે મોટરસાઇકલ-સ્કૂટર ચલાવવું ગેરકાયદેસર છે અને જ્યારે લોકો પહાડી કે ઉબડખાબડ રસ્તાઓ પર મોટરસાઇકલ ચલાવતા હોય છે ત્યારે આ નિયમ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તમે છેલ્લા એક-બે દિવસમાં રીલ્સ અથવા અન્ય સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક સોનુ સૂદનો વીડિયો જોયો હશે, જેમાં તે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) લાહૌલ-સ્પિતિની ખીણોમાં બાઇક ચલાવી રહ્યો છે અને આ સમય દરમિયાન, જ્યાં એક તરફ તે કડકડતી શિયાળામાં શર્ટલેસ છે, ત્યાં તેણે હેલ્મેટ અને સેફ્ટી રાઇડિંગ ગિયર પણ પહેર્યા નથી. હવે સોનુ સૂદના આ કૃત્ય પર વિવાદ ચાલી રહ્યો છે.
અભિનેતા સોનુ સૂદ વિવાદમાં ફસાઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં શર્ટલેસ અને હેલ્મેટ વગર બાઇક ચલાવવા બદલ લાહૌલ સ્પીતિ પોલીસે તેની સામે તપાસનો આદેશ આપ્યો છે. કેટલાક યુઝર્સે તેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને લાહૌલ સ્પીતિ પોલીસને પણ ટેગ કર્યા છે. હવે પોલીસે આ અંગે તપાસનો આદેશ આપ્યો છે. આ વીડિયો લાહૌલ સ્પીતિ જિલ્લાનો છે, જેને રાજ્યનું ઠંડુ રણ માનવામાં આવે છે.
વાયરલ વીડિયોમાં, સોનુ સૂદ શર્ટ વગર બાઇક ચલાવતો જોવા મળે છે. સનગ્લાસ પહેરેલ અભિનેતા બરફથી ઢંકાયેલી ખીણમાં એક જૂથ સાથે બાઇક ચલાવતો જોવા મળે છે. આ ક્લિપ `રાઇડ વિથ વિક્ટર` નામના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા શેર કરવામાં આવી છે. પેજ પર શેર કરાયેલા બીજા એક વીડિયોમાં, સોનુ સૂદ હેલ્મેટ અને સેફ્ટી ગિયર પહેરેલો જોવા મળે છે. જોકે, જે વીડિયોમાં તે હેલ્મેટ વગર જોવા મળે છે તેના પર સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ મળવા લાગી છે.
એક યુઝરે લખ્યું, ‘તો શું હિમાચલ પોલીસ સ્પીતિમાં હેલ્મેટ વગર બાઇક ચલાવવા બદલ સોનુ સૂદ સામે કોઈ કાર્યવાહી કરશે? કોઈ સેફ્ટી ગિયર નથી, કોઈ કપડાં નથી. ભગવાન જાણે છે કે તેઓ શું પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું સેલિબ્રિટી કાયદાથી ઉપર છે?’
બીજા યુઝરે લખ્યું, ‘તે પોતાની ફ્લોપ કારકિર્દીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, આ તેનું OF એકાઉન્ટ ખોલે તે પહેલાંનું ટ્રેલર છે?’. ‘કેટલી મૂર્ખતાપૂર્ણ વાત છે. ધ્યાન ખેંચવા માટે આવું કરી રહ્યો છે.’ બીજાએ લખ્યું, ‘તે ધ્યાનનો ભૂખ્યો છે. લોકોનું ધ્યાન ખેંચવાનો કેટલો અભદ્ર અને નકામો રસ્તો છે.’
જોકે, લાહૌલ-સ્પિતિ પોલીસે એક્સ પર એક સત્તાવાર પોસ્ટમાં કહ્યું છે કે વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોલિવૂડ કલાકારો લાહૌલ-સ્પિતિમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ વીડિયો વર્ષ 2023નો લાગે છે. તેની સત્યતાની તપાસ કરવાનું કામ DSP હેડક્વાર્ટર, કાયલાંગને સોંપવામાં આવ્યું છે. તેમણે કહ્યું, કાયદા મુજબ જે પણ કાર્યવાહી જરૂરી હશે તે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે. જિલ્લા પોલીસ લાહૌલ-સ્પિતિ તમામ નાગરિકો અને પ્રવાસીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને શિસ્તબદ્ધ અને જવાબદાર વર્તન અપનાવવા અપીલ કરે છે.
નોંધનીય છે કે, અભિનેતા સોનુ સૂદ ગયા વર્ષે ૧૬ જૂન ૨૦૨૩ના રોજ મનાલી (Manali) આવ્યો હતો. આ સમય દરમિયાન તે રોડીઝ (Roadies)ના શૂટિંગ માટે લાહૌલ સ્પીતીના ઘણા વિસ્તારોમાં પણ ગયો હતો. હવે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તે સમયનો છે. મહત્વની વાત એ છે કે તે સમય દરમિયાન સોનુ સૂદે ચાટ વેચનાર સાથે પણ વીડિયો બનાવ્યો હતો અને અન્ય વિસ્તારોમાં પણ શૂટિંગ કર્યું હતું. હાલમાં, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે સોનુ સૂદ પર દંડ ફટકારવામાં આવશે. જોકે, પોલીસ તપાસ કરી રહી છે.
અહીં અમે તમને બીજી એક મહત્વપૂર્ણ વાત જણાવીશું કે, સોનુ સૂદે થોડા દિવસો પહેલા એક માર્ગ સલામતી અભિયાનમાં ભાગ લીધો હતો. જેમાં તેણે લોકોને હંમેશા હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની વિનંતી કરી હતી. સોનુ સૂદ ઘણીવાર માર્ગ સલામતીની હિમાયત કરે છે, પરંતુ ની બેદરકારીએ તેના લાખો ચાહકોને નિરાશ કર્યા છે. વાયરલ વીડિયો વિવાદ પર તેણે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.