'હોથુર ફાઉન્ડેશન' સાથે મળીને સોનુ સૂદ કરશે મદદ

08 June, 2020 09:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'હોથુર ફાઉન્ડેશન' સાથે મળીને સોનુ સૂદ કરશે મદદ

માઇગ્રન્ટ વર્કર્સને તેમના ઘરે પહોંચાડ્યા બાદ હવે સોનુ સૂદ હોથુર ફાઉન્ડેશન સાથે મળીને ડેઇલી વેજ અર્નર્સ અને ઘરેલુ હિંસાના પીડિતોની મદદ કરશે. ચારેય બાજુ સોનુએ કરેલા કામની પ્રશંસા થઈ રહી છે. હોથુર ફાઉન્ડેશનની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુલસુમ શાદાબ વહાબ પણ સોનુનાં કાર્યોથી પ્રભાવિત થઈ છે. તેણે આ અગાઉ શાહરુખ ખાનના મીર ફાઉન્ડેશન સાથે મળીને ઍસિડ-અટૅક સર્વાઇવરના કલ્યાણ માટે પણ હાથ મિલાવ્યા હતા. હોથુર ફાઉન્ડેશન વિશે સોનુએ કહ્યું હતું કે ‘છેલ્લાં દસ વર્ષમાં હું કુલસુમનાં કામોને જાણતો આવ્યો છું. તેઓ લોકોના કલ્યાણ માટે કામ કરી રહ્યાં છે. કોરોના જેવા સંકટના સમયમાં અને લૉકડાઉનમાં તેઓ ઉલ્લેખનીય કામ કરી રહ્યાં છે. હવે અમે સાથે મળીને ડેઇલી વેજ અર્નર્સને સપોર્ટ કરવાનાં છીએ. સાથે જ ઘરેલુ હિંસાના પણ અનેક મામલાઓ વધી રહ્યા છે. અમે હવે એ પીડિતોની મદદ કરવાના છીએ.’

તો બીજી તરફ કુલસુમ શાદાબ વહાબે કહ્યું હતું કે ‘લૉકડાઉન જ્યારથી શરૂ થયું છે ત્યારથી ઘરેલુ હિંસાના મામલાઓ વધી રહ્યા છે. હિંસા પર જીત દ્વારા મહિલાઓને અન્ય મહિલાઓની સ્ટોરી સાંભળીને એમાંથી બહાર આવવાનું પ્રોત્સાહન મળશે. સોનુ અમને ખૂબ સપોર્ટ આપી રહ્યો છે અને તેણે માઇગ્રન્ટ્સને જે પ્રકારે મદદ કરી છે એ પ્રશંસનીય છે. તેની કામગીરીને જોઈને દરેક માઇગ્રન્ટે તેને આશીર્વાદ આપ્યા છે. તે જ્યારે ઘરેલુ હિંસા વિશે ચર્ચા કરશે અને ડેઇલી વેજ અર્નર્સને મદદ કરશે તો તેની વાત અનેક લોકો સુધી પહોંચશે. સોનુ આ કામમાં મદદ કરી રહ્યો છે એ અમારા માટે ખુશીની વાત છે. મને એ વાતની પૂરી ખાતરી છે કે અમારા આ કોલૅબરેશનથી અનેક લોકોને ખૂબ મદદ મળવાની છે.’

coronavirus covid19 lockdown entertainment news bollywood bollywood news sonu sood