03 February, 2025 09:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે સોનું નિગમને સખત દુખાવો થયો હતો (તસવીર: સોશિયલ મીડિયા)
બૉલિવૂડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેનાથી તેના ચાહકો ચિંતિત થઈ ગયા છે. સોનુ નિગમનો પુણેમાં એક લાઈવ કોન્સર્ટ હતો જ્યાં તેને અચાનકથી કમરમાં ભારે દુખાવો થયો અને ગાયકને ઘણી પીડાનો સામનો કરવો પડ્યો.
પીઠમાં તીવ્ર દુખાવો ઉપડ્યો
સોનુ નિગમે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે પીડાથી કણસતો જોવા મળી રહ્યો છે. તેણે આ વીડોયોમાં કહ્યું કે તે સમયે તેમને એવું લાગ્યું કે સોય જેવું કંઈક તેની કરોડરજ્જુમાં વીંધાઈ રહ્યું છે. વીડિયોમાં, તે પીડાથી કણસતો જોઈ શકાય છે. આ પછી તેણે પથારી પર સૂતા સૂતા કહ્યું, `આ મારા જીવનનો ખૂબ જ મુશ્કેલ દિવસ હતો, સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે મને ખૂબ દુખાવો થતો હતો.` જોકે, મેં કોઈક રીતે તેને સંભાળ્યું અને મારું પર્ફોર્મન્સ પૂર્ણ કર્યું, પણ મને ખુશી છે કે મારું પર્ફોર્મન્સ સારું રહ્યું.
ગાયક સોનુ નિગમે વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, `ગઈ રાત્રે સરસ્વતીજી મારો હાથ પકડી રહ્યા હતા`. આ વીડિયો શૅર થતાં જ ગાયકના ફૅન્સ ચિંતિત થઈ ગયા અને કમેન્ટ સેક્શનમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. એક યુઝરે લખ્યું, `ભગવાન તમને આશીર્વાદ આપે સોનુ જી, તમે અમારા બધા માટે પ્રેરણા છો`. એકે લખ્યું, `સરસ્વતીજી તેમના પ્રિય બાળકને કંઈ થવા દેશે નહીં`. એકે લખ્યું, `સોનુ જી, તમારું ધ્યાન રાખજો`
સોનુ નિગમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના એક ફૅનની એક પોસ્ટ પણ શૅર કરી, જેમાં લખ્યું હતું કે, `ગઈકાલે રાત્રે સોનુ નિગમે પુણેમાં એક શો કર્યો હતો. શો પહેલા તેને પીઠનો ખૂબ દુખાવો થતો હતો. આ બધી બાબતોને બાજુ પર રાખીને, સ્ટેજ પર આવતાની સાથે જ તેમણે પોતાના ચાહકોને આનો કોઈ અહેસાસ થવા દીધો નહીં. તેણે બેવડી ઉર્જા સાથે પ્રદર્શન કર્યું. આ ખરેખર અદ્ભુત હતું. મને આશા છે કે આ ઉર્જા હંમેશા તમારી સાથે રહેશે.
કોન્સર્ટ પહેલા પણ દુખાવો હતો
દરમિયાન, સોનુ નિગમે થોડા દિવસો પહેલા પોસ્ટ કરેલા વીડિયોમાં તેણે કહ્યું હતું કે, `ખૂબ દુઃખ થાય છે, મેં આજ સુધી શો પહેલા ક્યારેય આટલું દુઃખ અનુભવ્યું નથી`. તેણે કેપ્શનમાં લખ્યું, `કેટલાક લોકોએ આગાહી કરી હતી કે આ વર્ષ અકસ્માતો અને તબીબી સમસ્યાઓથી ભરેલું રહેશે.` મને લાગે છે કે તેઓ સાચા છે. આજે હું પુણેમાં સ્ટેજ પર આ રીતે જઈ રહ્યો છું. આ બધું મજાનું લાગે છે, પણ શોબિઝ ખૂબ જ અઘરો વ્યવસાય છે. આજે દેવી સરસ્વતી મારો હાથ વધુ મજબૂતીથી પકડી રાખે.