બચ્ચાપાર્ટીને જલસો કરાવી દેશે થ્રી-ડી ઍનિમેશન ફિલ્મ ‘સન્સ ઑફ રામ’

08 November, 2012 08:22 AM IST  | 

બચ્ચાપાર્ટીને જલસો કરાવી દેશે થ્રી-ડી ઍનિમેશન ફિલ્મ ‘સન્સ ઑફ રામ’



અમર ચિત્રકથાના સ્થાપક અનંત પાઈએ ૧૯૭૧માં ‘સન્સ ઑફ રામ’ નામની કૉમિક બુકનું સર્જન કર્યું હતું અને હવે આ પરિવારના વંશજ કુશલ રુઇયાએ આ કૉમિક બુક પરથી થ્રી-ડી ઍનિમેશન ફિલ્મ બનાવવાનો પ્રયોગ કર્યો છે. સદ્ભાગ્યે આ પ્રયોગ બહુ સારી રીતે પાર પડ્યો છે અને એનું પરિણામ એકદમ પર્ફેક્ટ આવ્યું છે. આ ઍનિમેશન ફિલ્મમાં રામનો તેમનાથી અલગ પડી ગયેલા દીકરાઓ લવ-કુશ સાથેનો મેળાપ દર્શાવવામાં આવ્યો છે અને ફિલ્મના ટેક્નિકલ પાસા જેટલું જ ધ્યાન વાર્તાની સંવેદનશીલતા પર પણ આપવામાં આવ્યું છે.

૮૪ મિનિટની આ ફિલ્મની શરૂઆતમાં અયોધ્યાને ગાઢ અંધકારમાં ડૂબેલું દેખાડવામાં આવે છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી એને વિપરીત સંજોગોમાંથી પસાર થવું પડતું હોય છે. આ સમસ્યાનો અંત લાવવા માટે ગુરુ વશિષ્ઠ ભગવાન રામને અશ્વમેધ યજ્ઞ કરવાનો વિકલ્પ આપે છે, પણ આ યજ્ઞમાં ભાગ લેવા માટે ભગવાન રામે બીજાં લગ્ન કરવાં જરૂરી બની જાય છે. આ શરતને કારણે પત્ની સીતાથી અલગ થઈ જવાના વિચારને કારણે ભગવાન રામ ઘેરી ચિંતામાં ડૂબી જાય છે.

બીજી તરફ વનમાં ભગવાન રામનાં સંતાનો લવ અને કુશ વનદેવી એટલે કે સીતામાતાની કાળજી હેઠળ ઊછરતાં હોય છે, પણ તેમને કે ભગવાન રામને એકબીજા વિશે કંઈ જ ખબર નથી હોતી. ફિલ્મમાં બ્લુ શરીર ધરાવતા લવ અને ઘઉંવર્ણી ત્વચા ધરાવતા કુશના સંબંધો કોઈ પણ બે ભાઈઓના સંબંધ જેવા ખાટામીઠા, પણ ઉષ્માથી સભર હોય છે તથા •ષિ વાલ્મીકિના આશ્રમમાં માતા સાથે રહેતા હોય છે. આ બે ભાઈઓમાં કુશ સ્વભાવે થોડો વધારે આક્રમક હોય છે જેના કારણે તે ભ્રમણ માટે નીકળેલા ભગવાન રામના અશ્વમેધ યજ્ઞના ઘોડાને રોકી લે છે. આના કારણે ઘોડાની સાથે રહેલા કુશના કાકા શત્રુઘ્ન અને કુશ વચ્ચે અથડામણ થાય છે. આ સમયે લવ વચ્ચે મધ્યસ્થી કરવા ઇચ્છે છે, પણ કુશ તેને ઉતારી પાડે છે. જોકે પછી કુશ અકસ્માતે નદીમાં પડીને ગંધર્વલોકમાં પહોંચી જાય છે, જ્યારે લવને ભગવાન રામના ભાઈ લક્ષ્મણ પકડી લે છે. આખરે એકબીજાથી અલગ પડ્યા બાદ બન્ને ભાઈઓને એકબીજા પ્રત્યેની લાગણીનો અને જરૂરિયાતનો અહેસાસ થાય છે. ત્યાર બાદ આ બન્ને ભાઈઓ ભેગા થાય છે ત્યારે શું થાય છે? ભગવાન રામ સાથે તેમનો ભેટો થાય છે ત્યારે પરિસ્થિતિ કેવો આકાર લે છે? આ બધા સવાલોનો આ ઍનિમેશન ફિલ્મમાં બહુ સારી રીતે જવાબ આપવામાં આવ્યો છે.

પૌરાણિક વાર્તાઓનું એક મહત્વનું પાસું એ છે કે જ્યારે પણ એને જોવામાં આવે છે ત્યારે સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે એમાં એક નવો અભિગમ જોવા મળે છે. જો તમને આ ફિલ્મની વાર્તાની ખબર હોય તો પણ બાળકોના દૃષ્ટિકોણથી આખી ફિલ્મને ફરીથી માણવાની મજા જ અલગ છે. આ થ્રી-ડી ઍનિમેશન ફિલ્મ બાળકોને તો જલસો કરાવી જ દેશે અને મોટાઓને પણ બહુ ગમશે. ફિલ્મમાં સિંગર સુનિધિ ચૌહાણે સીતાના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે જે એકદમ પર્ફેક્ટ લાગે છે. ફિલ્મનાં ગીતો પણ સાંભળવાં ગમે એવાં સિચુએશનને અનુરૂપ છે. બીજી ઍનિમેશન ફિલ્મોની સરખામણીમાં આ ફિલ્મમાં ઍનિમેશન થોડું ઓછું છે, પણ વાર્તા કહેવાની શૈલી અને સંવાદો મજબૂત હોવાના કારણે દર્શકો આ ફિલ્મની પૂરેપૂરી મજા માણશે.

થ્રી-ડી = થ્રી ડાઇમેન્શનલ

- ફોરમ દલાલ