20 March, 2023 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાલી કુલકર્ણી
સોનાલી કુલકર્ણીએ આળસુ છોકરીવાળા પોતાના વક્તવ્ય પર હંગામો વધતાં હવે માફી માગી લીધી છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં સોનાલીએ જણાવ્યું હતું કે ‘આપણા દેશમાં અનેક મહિલાઓ આળસુ છે. તેમને એવો હસબન્ડ કે પછી બૉયફ્રેન્ડ જોઈએ છે જે તેની બધી ઇચ્છા પૂરી કરી શકે, તેનું પોતાનું મકાન હોય અને રેગ્યુલર તેને ઇન્ક્રીમેન્ટ્સ મળતાં હોય.’
સાથે જ તેણે એવી અપીલ કરી હતી કે ‘તમારા ઘરની યુવતીઓને એટલી સક્ષમ બનાવો કે તે આવક રળી શકે અને ઘરમાં ખરીદવામાં આવતા સામાનમાં પણ તે પોતાનો ફાળો આપી શકે.’
જોકે સોનાલીના આવા નિવેદનને કારણે સોશ્યલ મીડિયામાં જંગ છેડાઈ ગયો છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, તો કેટલાક તેના વિરોધમાં છે. એને જોતાં તેણે સોશ્યલ મીડિયામાં માફીનામું લખ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલા આ માફીનામામાં સોનાલીએ લખ્યું છે, ‘મને જે પ્રકારે ફીડબૅક મળી રહ્યાં છે એનો મને આનંદ છે. હું બધાનો, ખાસ કરીને પ્રેસ અને મીડિયાનો મારી સાથે જોડાવા બદલ આભાર માનવા માગું છું. એક મહિલા હોવાથી મારો ઇરાદો અન્ય મહિલાની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. ખરેખર તો મહિલાઓની તરફેણમાં મેં અનેક વખત સપોર્ટ કર્યો છે. મારા નિવેદન પર મારી સાથે પર્સનલી જોડાઈને મારી પ્રશંસા અને નિંદા કરવા બદલ આભાર. આશા છે કે ભવિષ્યમાં પણ આપણે એવા અનેક વિચારોની મુક્તપણે આપ-લે કરીશું. હું હંમેશાં ન માત્ર મહિલાઓને પરંતુ આખી માનવજાતિને સપોર્ટ કરું છું. આ ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણે મહિલાઓ પોતાની નિર્બળતા અને જ્ઞાનની સાથે નિષ્પક્ષ અને સક્ષમ રૂપે સામે આવીશું. જો આપણે સહાનુભૂતિ વ્યક્ત કરીશું તો એક સ્વસ્થ, ખુશહાલ સ્થાન બનાવવામાં સફળ થઈશું. મારા દ્વારા જો અજાણતાં કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો હું તેની દિલથી માફી માગું છું. મને હેડલાઇન્સમાં ચમકવાની કે સેન્સેશનલ સ્થિતિમાં કેન્દ્રસ્થાને આવવાની કોઈ ઇચ્છા નથી. હું આશાવાદી છું અને મારું માનવું છે કે જીવન ખૂબ સુંદર છે. તમારી ધીરજ અને સપોર્ટ બદલ આભાર. આ ઘટનાથી મને ઘણુંબધું શીખવા મળ્યું છે.’