ટૂંક સમયમાં જ સોનાલી બેન્દ્રે આવી રહી છે મુંબઈ

28 December, 2018 06:02 PM IST  | 

ટૂંક સમયમાં જ સોનાલી બેન્દ્રે આવી રહી છે મુંબઈ

સોનાલી બેન્દ્રે જલદી જ મુંબઈ પોતાના ઘરે પાછી ફરવાની છે. આ વાતની માહિતી સોનાલીએ સોશ્યલ મીડિયા પર આપી હતી. સોનાલી છેલ્લા ઘણા સમયથી ન્યુ યૉર્કમાં મેટેસ્ટૅટિક કૅન્સરની સારવાર લઈ રહી છે. ખૂબ જ બહાદુરીથી તેણે કૅન્સર સામેની આ લડાઈ લડી છે. ડૉક્ટરે તેને સંપૂર્ણ આરામની સલાહ આપી છે. આ સમય દરમ્યાન સોનાલી સોશ્યલ મીડિયા પર પોતાની હેલ્થ વિશે સતત લોકોને અવગત કરાવતી રહી છે. પોતાના ઘરપરિવારને ખૂબ મિસ કરતી સોનાલીએ સોશ્યલ મીડિયા પર પોતાનો એક ફોટો શૅર કર્યો અને લખ્યું હતું કે ‘કહેવાય છે કે અંતર દિલોની વચ્ચે પણ અંતર વધારી દે છે અને ખરેખર આવું થાય પણ છે. જોકે એ વાતને પણ અવગણી ન શકાય કે અંતર તમને શું શીખવાડે છે.

ઘરથી દૂર ન્યુ યૉર્કમાં રહીને મને અનુભવ થયો કે મારી સાથે અનેક કથાઓ પણ ચાલતી હતી, જે પોતાનો એક અલગ અધ્યાય લખવાનો પ્રયાસ કરતી હતી. દરેક સંઘર્ષ કરે છે, પરંતુ કોઈ હાર માનવા નથી તૈયાર. એ એક આખો દિવસ લે છે. હું હવે મારા માર્ગ પર છું જ્યાં મારું હૃદય છે. આ એક એવી ફીલિંગ છે જેને શબ્દોમાં ન વર્ણવી શકાય. આમ છતાં હું પ્રયાસ કરી રહી છું. મારા કુટુંબ અને ફ્રેન્ડ્સને ફરીથી જોવાની ખુશી છે. મને જે પસંદ છે એ કરવાનો ઉત્સાહ છે. ખાસ કરીને એ જર્નીને, જેને અત્યાર સુધી હું પસાર કરી રહી છું. લડાઈ હજી સુધી પૂરી નથી થઈ અને આ ઇન્ટરવલની રાહ જોઈ રહી છું. આ કોઈ સામાન્ય સમય નથી. એને હવે ગળે વળગાડવા માટે હું વધુ રાહ નથી જોઈ શકતી.’

sonali bendre