26 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહા હાલમાં તેની આગામી ફિલ્મ ‘નિકિતા રૉય’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે હાલમાં આ ફિલ્મના પ્રમોશન વખતે તેણે અજય દેવગનની ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’ વિશે વાત કરી. સાથે જ તેણે ખુલાસો કર્યો કે તે આ ફિલ્મમાં શા માટે નથી. હાલમાં જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે ૨૦૧૨માં રિલીઝ થયેલી ‘સન ઑફ સરદાર’માં લીડ ઍક્ટ્રેસ સોનાક્ષી હતી અને અજય સાથે તેની જોડી બધાને પસંદ પણ પડી હતી. જોકે આમ છતાં ‘સન ઑફ સરદાર 2’માં અજય સાથે નીરુ બાજવાને સાઇન કરવામાં આવી છે.
સોનાક્ષીએ હાલમાં એક પ્રમોશનમાં ‘સન ઑફ સરદાર 2’ના કાસ્ટિંગ પરનું મૌન તોડ્યું. જ્યારે સોનાક્ષીને પૂછવામાં આવ્યું કે તે આ ફિલ્મમાં શા માટે નથી તો તેણે કહ્યું, ‘આ વિશે હું શું કહી શકું, ફિલ્મ મેં બનાવી નથી. શક્ય છે કે કંઈક હશે અથવા ફિલ્મની વાર્તા અલગ હશે. એવું પણ બની શકે કે મારા પાત્રની જરૂર ન હોય. હું શું કામ ‘સન ઑફ સરદાર 2’માં નથી એની મને ખબર નથી.’