પિતાને યાદ કરીને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી સોહાએ

06 January, 2024 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોહા તેના સ્વર્ગીય પિતાની ૮૨મી બર્થ ઍનિવર્સરી હોવાથી તે તેના પતિ કુણાલ ખેમુ અને દીકરી ઇનાયા સાથે ત્યાં ગઈ હતી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સોહા અલી ખાને હાલમાં જ તેના પિતા મન્સૂર અલી ખાન પટૌડીને યાદ કરતાં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. તેના સ્વર્ગીય પિતાની ૮૨મી બર્થ ઍનિવર્સરી હોવાથી તે તેના પતિ કુણાલ ખેમુ અને દીકરી ઇનાયા સાથે ત્યાં ગઈ હતી. તેના પિતાને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવાનું ખૂબ જ પસંદ હતું. ફોટો શૅર કરીને સોહાએ કૅપ્શન આપી હતી કે ‘અબ્બાની રમવાની સૌથી ફેવરિટ જગ્યા ધ મેલબર્ન ક્રિકટ ગ્રાઉન્ડ પર જઈને તેમને યાદ કરી તેમને સેલિબ્રેટ કરવાથી મોટી વાત કોઈ ન હોઈ શકે. તેમણે ટેસ્ટ મૅચમાં ઘણી સેન્ચુરી મારી હતી, પરંતુ સેન્ચુરી કરતાં પણ તેમની કરીઅરની કોઈ ખાસ ઇનિંગ હોય તો એ ૧૯૬૭-’૬૮ની આ ગ્રાઉન્ડ પર રમેલી ૭૫ રનની ઇનિંગ. તેઓ જ્યારે બૅટિંગ પર આવ્યા ત્યારે ઇન્ડિયાની ૨૫ રન પર પાંચ વિકેટ હતી. હૅમસ્ટ્રિંગ્સને કારણે તેમને રનરની જરૂર પડી હતી અને તેઓ તેમનો બેસ્ટ ફ્રન્ટ-ફુટ શૉટ પણ નહોતા રમી શકતા. જોકે એમ છતાં તેમણે ૭૫ રન કરીને ૧૬૨ રન સુધી ટીમને લઈ ગયા હતા. એ દિવસે વિઝ્ડન એશિયા ક્રિકેટ્સ લિસ્ટમાં ટૉપ ૨૫ ઇન્ડિયન ટેસ્ટ ઇનિંગમાં તેમની મૅચ ૧૪મા ક્રમે આવી હતી. આ ઇનિંગ તેમણે એક પગ અને એક આંખ વડે રમી હતી. હૅપી બર્થ-ડે અબ્બા.’

mansoor ali khan pataudi soha ali khan kunal khemu melbourne entertainment news bollywood bollywood news