01 August, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોહા અલી ખાન
સોહા અલી ખાને હાલમાં સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે તે છેલ્લાં ચાર અઠવાડિયાંથી રોજ સવારે લસણની એક કળી ખાઈને દિવસની શરૂઆત કરે છે. સોહાએ સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે લસણની કળી ખાતી દેખાય છે. સોહાએ આ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું છે કે ‘છેલ્લાં ચાર અઠવાડિયાંથી હું સવારે લસણની એક નાની કળી ખાઈને દિવસ શરૂ કરું છું. આ નાનું લસણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચન સુધારે છે, સોજો ઘટાડવામાં મદદ કરે છે અને શરીરના સંતુલન માટે ખૂબ ફાયદાકારક છે. આ એક જૂનો ઘરેલુ ઉપાય છે જે આજે પણ અસરકારક છે.’
સોહાએ જણાવ્યું કે ‘હું રોજ સવારે ખાલી પેટે કાચું લસણ સારી રીતે ચાવીને ખાઉં છું, કારણ કે એ રીતે ખાવાથી એમાં રહેલું એલિસિન નામનું તત્ત્વ સક્રિય થાય છે અને પછી એને પાણી સાથે ગળી જાઉં છું. જોકે જો કોઈ લસણ ચાવી ન શકે તો સોહાએ તેમને સલાહ આપી કે લસણને કચરીને ૧૦ મિનિટ રાખવાથી પણ એનો ફાયદો મળે છે. જોકે સોહાએ ચેતવણી પણ આપી છે કે ‘આ ઉપાય દરેક માટે નથી. જો તમે બ્લડ-થિનર દવાઓ લઈ રહ્યા છો, પેટમાં બળતરા કે ગૅસની સમસ્યા છે અથવા સર્જરીની તૈયારી કરી રહ્યા છો તો પહેલાં ડૉક્ટરની સલાહ લો. લસણ ખાવાથી મોંમાંથી ગંધ આવે છે, પરંતુ એના ફાયદા પણ સાચા છે. એથી મોંની દુર્ગંધ રોકવા માટે બ્રશ અને માઉથવૉશ કરવાં જરૂરી છે.’