...તો આનંદ ફિલ્મમાં રાજ કપૂર હીરો તરીકે જોવા મળ્યા હોત!

24 January, 2020 02:17 PM IST  |  Mumbai | Ashu Patel

...તો આનંદ ફિલ્મમાં રાજ કપૂર હીરો તરીકે જોવા મળ્યા હોત!

રાજ કપૂર

હૃષીકેશ મુખરજી રાજ કપૂરને હીરો તરીકે લઈને ‘આનંદ’ ફિલ્મ બનાવવા માગતા હતા. રાજ કપૂરનો ત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દબદબો હતો. તેઓ બહુ વ્યસ્ત રહેતા હતા. તેમણે ફિલ્મ માટે હા પાડી દીધી હતી, પરંતુ સમય વીતતો ગયો. રાજ કપૂરની ઉંમર વધતી ગઈ અને એવી સ્થિતિ આવી ગઈ કે રાજ કપૂર યુવાન કૅન્સર પેશન્ટનો રોલ ન કરી શકે એટલે છેવટે હૃષીકેશ મુખરજીએ તેમને ફિલ્મમાંથી પડતા મૂક્યા. ‘આનંદ’ની સ્ક્રિપ્ટ તો ઘણા લાંબા સમયથી લખાઈ ચૂકી હતી અને હૃષીકેશ મુખરજી જલદી એના પરથી ફિલ્મ બનાવવા માગતા હતા.

એ સમય દરમ્યાન એક વાર ‘હાથી મેરે સાથી’ ફિલ્મના શૂટિંગ વખતે રાજેશ ખન્ના એ ફિલ્મના રાઇટર સલીમ-જાવેદ અને સલીમ-જાવેદના દોસ્ત ગુલઝાર સાથે બેઠા હતા. ગુલઝારે એ વખતે ‘આનંદ’ ફિલ્મ વિશે વાત છેડી અને કહ્યું કે એક બહુ અદ્ભુત કન્સેપ્ટ લઈને હૃષીકેશ મુખરજી આ ફિલ્મ બનાવવા ઇચ્છે છે. રાજ કપૂરે એ ફિલ્મ માટે હા પાડી હતી, પણ એમાં વર્ષો વીતી ગયાં અને હવે રાજ કપૂરને તેમણે પડતા મૂક્યા છે અને તેઓ કોઈ બીજા હીરોને લઈને આ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. રાજેશ ખન્નાએ તરત જ ગુલઝારને કહ્યું કે હમણાં જ મને હૃષીદાના ઘરે લઈ જાઓ. રાજેશ ખન્ના ‘હાથી મેરે સાથી’ના સેટ પરથી હૃષીદાના ઘરે ગયા અને તેમને કહ્યું કે મારે આ ફિલ્મ કરવી છે. હૃષીદાએ કહ્યું કે તમે એક ફિલ્મ માટે જેટલી ફી લો છો એટલું તો મારી આખી ફિલ્મનું બજેટ પણ નથી હોતું!

રાજેશ ખન્નાએ કહ્યું કે મને તમારી તમામ ટર્મ્સ-કન્ડિશન્સ મંજૂર છે. મારે આ ફિલ્મકરવી છે.
 
જેમ રાજ કપૂરના કિસ્સામાં બન્યું હતું એવું રાજેશ ખન્નાના કિસ્સામાં પણ બનશે એવું હૃષીકેશ મુખરજીને લાગ્યું એટલે તેમણે કહ્યું કે હું એવા હીરો સાથે જ ફિલ્મ બનાવીશ જે તરત જ આ ફિલ્મનું શૂટિંગ કરી દે.
 
રાજેશ ખન્નાએ કહ્યું કે તમે ભલે બે કલાક શૂટિંગ કરો, પણ હું દરરોજ એ ફિલ્મનું શૂટિંગ કરીશ. અને એ ફિલ્મમાં રાજેશ ખન્ના હીરો તરીકે નક્કી થઈ ગયા.
 
એ વખતે હૃષીકેશ મુખરજી ત્રણ ફિલ્મો પર કામ કરી રહ્યા હતા. પહેલી ફિલ્મ હતી ‘બુઢ્ઢા મિલ ગયા’ જે પૂરી થવા આવી હતી. બીજી હતી ‘ગુડ્ડી’ જે અડધે પહોંચી હતી અને ત્રીજી હતી ‘આનંદ’ જે શરૂ થવાની હતી. એ ત્રણેય ફિલ્મના સેટ મોહન સ્ટુડિયોમાં લગાવવામાં આવ્યા હતા અને તેઓ દિવસ દરમ્યાન એક પછી એક ત્રણેય ફિલ્મોનું શૂટિંગ ત્યાં કરતા હતા. દિવસમાં અમુક અમુક કલાક માટે એ ત્રણેય ફિલ્મનું શૂટિંગ તેઓ કરતા હતા. રાજેશ ખન્ના દરરોજ નિશ્ચિત સમયે બેથી ત્રણ કલાકના શૂટિંગ માટે મોહન સ્ટુડિયોમાં પહોંચી જતા અને ‘આનંદ’ ફિલ્મ માટે શૂટિંગ કરતા હતા.
 
અને એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન હૃષીકેશ મુખરજીએ રાજેશ ખન્નાને કેવો પાઠ ભણાવ્યો હતો એની રસપ્રદ વાત ફરી ક્યારેક કરીશું.

raj kapoor bollywood bollywood news entertaintment