...તો શોલેમાં 10.45 મિનિટ લાંબી કવ્વાલી જોવા મળી હોત!

16 January, 2020 01:40 PM IST  |  Mumbai | Ashu Patel

...તો શોલેમાં 10.45 મિનિટ લાંબી કવ્વાલી જોવા મળી હોત!

શોલે

 

 

‘શોલે’નાં તમામ ગીતો સુપરહિટ સાબિત થયાં હતાં. એ ફિલ્મમાં એક કવ્વાલી રાખવાનું પણ નક્કી થયું હતું. રમેશ સિપ્પીએ ગીતકાર આનંદ બક્ષી પાસે એ કવ્વાલી લખાવી હતી અને એ કવ્વાલી હતી, ‘ચાંદ સા કોઈ ચહેરા પહલુ મે ના હો તો જીને કા મઝા નહીં આતા, જામ પી કર શરાબી ના ગિર જાએ તો મયકશી કા મઝા નહીં આતા...’

એ કવ્વાલી આર. ડી. બર્મને કમ્પોઝ કરી હતી અને એમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર માટે મન્ના ડે તથા કિશોરકુમારે અવાજ આપ્યો હતો. એ કવ્વાલી રેકૉર્ડ પણ થઈ હતી. એ કવ્વાલીમાં કૉમેડિયન બિરબલ અને કેસ્ટો મુખરજી પણ પડદા પર દેખાવાના હતા. તેમને માટે ગાયક ભૂપિન્દર સિંઘ અને આનંદ બક્ષીએ અવાજ આપ્યો હતો. યસ, ગીતકાર આનંદ બક્ષી એ કવ્વાલીના સહગાયક હતા!

જોકે એ ફિલ્મમાંથી રેકૉર્ડ થયેલી એ કવ્વાલી પડતી મુકાઈ હતી અને એનું શૂટિંગ પણ થયું નહોતું. ઇન્ટરનેટ પર એવી ‘સ્ટોરી’ જાણવા મળશે કે ‘શોલે’માં અમજદ ખાન જ્યારે જેલ તોડીને ભાગે છે ત્યારે છુપાવા માટે એક ધાબામાં ઘૂસી જાય છે અને એ વખતે આ કવ્વાલી તે ગાય છે અને એનું શૂટિંગ પણ થયું હતું, પરંતુ વાસ્તવમાં એ કવ્વાલીનું શૂટિંગ થયું જ નહોતું!

રમેશ સિપ્પીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘જય અને વીરુ જેલમાં હોય છે ત્યારે એ કવ્વાલી ગાય એવું મેં વિચાર્યું હતું, પરંતુ પછી ફિલ્મની લંબાઈ વધી ગઈ હતી એટલે એ કવ્વાલી મેં પડતી મૂકી હતી.’

‘શોલે’ ફિલ્મની લંબાઈ ઑલરેડી સાડાત્રણ કલાક જેટલી થઈ ગઈ હતી અને એને માટે રેકૉર્ડ થયેલી કવ્વાલી ૧૦ મિનિટ ૪૭ સેકન્ડની હતી. જો એ કવ્વાલી ‘શોલે’માં મુકાઈ હોત તો એ ફિલ્મ લગભગ પોણાચાર કલાકની થઈ ગઈ હોત! એટલે એ કવ્વાલી ફિલ્મમાંથી પડતી મુકાઈ હતી. નહીં તો શોલે’નાં દરેક ગીતો જે રીતે સુપરહિટ થયાં હતાં એ રીતે એ કવ્વાલી પણ અમર થઈ ગઈ હોત!

ધર્મેન્દ્ર અને અમિતાભ એ કવ્વાલી ગાઈ રહ્યા હોય એવો વિડિયો કોઈ ટીખળખોરે યુટ્યુબ પર મૂક્યો છે, પરંતુ એ વિડિયો ધ્યાનથી જોશો એટલે ત્રીજી જ સેકન્ડે સમજાઈ જશે કે આ કવ્વાલીના શબ્દો અમિતાભ અને ધર્મેન્દ્રના હોઠ સાથે મૅચ નથી થતા. ધર્મેન્દ્ર અને અમિતાભના એ કવ્વાલીના વિડિયો સાથે કોઈકે ‘શોલે’ માટે રેકૉર્ડ થયેલી કવ્વાલી ચિપકાવીને યુટ્યુબ પર મૂકી દીધી છે. યુટ્યુબ પર અમિતાભ અને ધર્મેન્દ્ર જે કવ્વાલીમાં જોવા મળે છે એ કવ્વાલી 1977માં આવેલી ‘ચરણદાસ’ ફિલ્મની હતી (અને એ કવ્વાલીમાં ઓમપ્રકાશ પણ જોવા મળી રહ્યા છે). અમિતાભ અને ધર્મેન્દ્રએ ‘ચરણદાસ’ ફિલ્મમાં પડદા પર જે કવ્વાલી ગાઈ છે એ કવ્વાલીના શબ્દો હતા, ‘દેખ લો પ્યાર કા મરતબા દેખ લો, દેખ લો ઇશ્ક કા મરતબા દેખ લો...’

શોલેની આવી બીજી ઘણીબધી વાતો છે એ ફરી ક્યારેક કરીશું.

sholay bollywood bollywood news entertaintment