નીતિ મોહને આપ્યો દીકરાને જન્મ, પતિ નિહાર પંડ્યાએ બન્ને સ્વસ્થ હોવાનું કહ્યું

03 June, 2021 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યા ગુડ ન્યુઝ

નીતિ મોહન (તસવીર સૌજન્યઃ એએફપી)

બૉલિવૂડ ગાયિકા નીતિ મોહન (Neeti Mohan)ના ઘરે બુધબાર બીજી જૂનના રોજ પારણું બંધાયુ છે. ગાયિકાને દીકરો જન્મયો હોવાના સમાચાર પતિ નિહાર પંડ્યા (Nihaar Pandya)એ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યા છે.

નિહાર પંડ્યાએ સોશ્યલ મીડિયામાં નીતિ મોહનની પ્રેગનેન્સી સમયની તસવીર શૅર કરતા લખ્યું છે કે, ‘મારા પિતાએ જે મને શીખવ્યું તે મારા નાના દીકરાને શીખવાડવાની તક મારી સુંદર પત્નીએ મને આપી છે. તે મારા જીવનમાં દરરોજ વધુને વધુ પ્રેમ પાથરે છે. વધુ મહત્વનું એ છે કે, નવું જન્મેલું બાળક અને નીતિ બન્ને સ્વસ્થ છે. મુંબઈમાં વાદળ છવાયેલા હતા અને વરસાદ વરસતો હતો તે દિવસ અમે અમારો `SON-rise` જોયો. હાથ જોડીને મોહન તથા પંડ્યા પરિવાર ભગવાનનો, ડૉક્ટર, ફેમિલી, ફ્રેન્ડ્સ તથા તમામ શુભચિંતકોનો આભાર માને છે. પ્રેમ તથા હંમેશા સહકાર આપવા માટે આભાર’.

આ પોસ્ટ પર સેલેબ્ઝની કમેન્ટ્સનો વરસાદ શરુ થઈ ગયો છે. નીતિ મોહનની બહેન અને ડાન્સર, કોરિયોગ્રાફર શક્તિ મોહન (Shakti Mohan)એ કમેન્ટ કરી છે કે, ‘હું બહુ જ ખુશ છું. નવા મમ્મી-પ્પપાને અને આખા પરિવારને શુભેચ્છા. મેં આવો અનુભવ ક્યારેય નથી કર્યો. હું માસી બની ગઈ છું. તમારા બાળકને બગાડવા માટે હું તૈયાર છું. માસી સાથે પાર્ટી કરવા માટે તૈયાર રહેજે’.

તે સિવાય ગૌહર ખાન, તાહિરા કશ્યપ, મુક્તિ મોહન, નિવેદિતા બાસુ, હર્ષદિપ કૌર, ગૌતમ રોડે, જોનિતા ગાંધી, બેની દયાલ, પ્રિયા સરૈયા સહિતના સેલેબ્ઝે કપલને શુભેચ્છા આપી છે.

તમને જણાવી દઈએ કે, નીતિ મોહને આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજી વેડિંગ એનિવર્સરી પર નિહાર સાથેની તસવીર શૅર કરીને ગુડ ન્યૂઝ શૅર કર્યાં હતાં. તેણે કૅપ્શન આપ્યું હતું કે, `1+1= 3 મોમ ટૂ બી એન્ડ ડેડી ટૂ બી. આ જાહેરાત કરવા માટે બીજી વેડિંગ એનિવર્સરીથી સારો દિવસ કયો હોઈ શકે.`

નીતિ મોહન અને નિહાર પંડ્યાએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ લગ્ન કર્યા હતાં.

entertainment news bollywood bollywood news neeti mohan