ગાયક-સંગીતકાર ભૂપેન હઝારિકાનું મલ્ટિ ઑર્ગન ફેલ્યરને કારણે અવસાન

06 November, 2011 10:02 PM IST  | 

ગાયક-સંગીતકાર ભૂપેન હઝારિકાનું મલ્ટિ ઑર્ગન ફેલ્યરને કારણે અવસાન

 

તેમને ૨૯ જૂને હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઇસીયુ)માં દાખલ કરવામાં આવ્યા હતા. અંતિમ દિવસોમાં ભૂપેન હઝારિકાની હાલત વિશે વાત કરતાં હૉસ્પિટલના આઇસીયુ ડિપાર્ટમેન્ટના ડૉક્ટર શૈલેન્દ્ર ગોયલે કહ્યું હતું કે ‘છેલ્લા શ્વાસ સુધી તેઓ જીવનની આશાથી ભરપૂર હતા. તેઓ બહુ કો-ઑપરેટિવ હતા. જોકે તેમને પાર્કિન્સન ડિસીઝ થયો હતો અને સ્મૃતિભ્રંશની પણ અસર હતી. તેમનાં ફેફસાં અને કિડનીને પણ નુકસાન પહોંચ્યું હતું. તેમને છાતીમાં દુખાવાની સમસ્યા થતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા.’

ભૂપેન હઝારિકા વિશે વાત કરતાં હૉસ્પિટલના ચીફ ઑપરેટિંગ ઑફિસર ડૉક્ટર રામ નરેને જણાવ્યું હતું કે ‘તેઓ વેન્ટિલેટર પર હતા અને છેલ્લા કેટલાક દિવસોથી તેમનું ડાયાલિસિસ પણ કરવામાં આાવતું હતું. તેમનાં અનેક અંગો કામ કરતાં બંધ થઈ ગયાં હોવાને કારણે તેઓ ધીરે-ધીરે કોમામાં સરકી રહ્યા હતા. આખરે તેમના જીવનનો અંત આવી ગયો હતો.’

ભૂપેન હઝારિકાના હૉસ્પિટલના ચાર મહિના દરમ્યાન તેમનાં સંબંધી મનીષા હઝારિકા, કલ્પના લાઝમી અને બે નજીકનાં સગાંઓ તેમની સાથે હતાં. તેમની તબિયત ગઈ કાલે બપોરે અઢી વાગ્યે બગડવાની શરૂ થઈ હતી. તેમના મૃતદેહને હૉસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો અને આજે સવારે અંતિમક્રિયા માટે ગુવાહાટી લઈ જવામાં આવશે. ડૉક્ટરોએ ભૂપેન હઝારિકાના મૃત્યુ માટે ન્યુમોનિયા અને મલ્ટિપલ ઑર્ગન ફેલ્યરને જવાબદાર ગણાવ્યાં છે.

ભૂપેન હઝારિકાનો જન્મ ૧૯૨૬માં આસામના સદિયા નામના સ્થળે થયો હતો. તેમણે ૧૯૪૬માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું હતું અને પછી કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનમાં પીએચડી કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવી હતી. તેમને શિકાગો યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ફેલોશિપ પણ મળી હતી.

ભૂપેન હઝારિકા કવિ, પત્રકાર, ગાયક, ગીતકાર, સંગીતકાર, ફિલ્મમેકર અને લેખક તરીકે પોતાનું કૌશલ બતાવી ચૂક્યા છે. તેમણે પોતાનું પહેલું ગીત બાર વર્ષની વયે રેકૉર્ડ કયુર્ર઼્ હતું જ્યારે ૧૯૩૯માં ‘ઇન્દ્રમાલતી’ નામની આસામીઝ ફિલ્મમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. તેમને ૧૯૬૦માં ‘શકુંતલા’, ૧૯૬૪માં ‘પ્રતિધ્વનિ’ અને ૧૯૬૭માં ‘લોટી ઘોટી’ માટે બેસ્ટ ફિલ્મમેકરનો નૅશનલ અવૉર્ડ, ૧૯૭૭માં ‘ચમેલી મેમસાબ’ માટે બેસ્ટ મ્યુઝિક કમ્પોઝિશનનો નૅશનલ અવૉર્ડ તેમ જ ૧૯૭૭માં પદ્મભૂષણ, ૧૯૮૭માં સંગીત નાટક ઍકૅડમી અવૉર્ડ અને ૧૯૮૭માં દાદાસાહેબ ફાળકે અવૉર્ડ મળ્યા હતા.