પ્લેબૅક સિંગર અભિજિત સામે વિનયભંગનો આરોપ

23 October, 2015 05:01 AM IST  | 

પ્લેબૅક સિંગર અભિજિત સામે વિનયભંગનો આરોપ




મુંબઈના હાઈ-પ્રોફાઇલ લોખંડવાલા દુર્ગાપૂજા ઉત્સવના મંડપમાં પ્લેબૅક સિંગર અભિજિત ભટ્ટાચાર્યે વિનયભંગ કર્યો હોવાની ફરિયાદ ૩૪ વર્ષની મહિલાએ ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં કરી છે. શારીરિક છેડછાડ કરવા ઉપરાંત અભિજિત અને તેની બહેને એ મહિલાને ગાળાગાળી પણ કરી હોવાનું બુધવારની મધરાત પછી 1.15 વાગ્યે પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવેલા FIRમાં જણાવવામાં આવ્યું હતું. લોખંડવાલા સર્કલ પાસેના મેદાનમાંના દુર્ગાપૂજા મંડપમાં બુધવારે રાતે દસ વાગ્યે ગાયક કૈલાસ ખેરનો પ્રોગ્રામ ચાલતો હતો એ વખતે આ ઘટના બની હતી.




મહિલાએ FIRમાં શું કહ્યું?

હું જ્યાં બેઠી હતી ત્યાંથી સ્ટેજનું દૃશ્ય બરાબર દેખાતું નહોતું. એથી બરાબર જોઈ શકાય એ માટે હું મારી જગ્યા પરથી ઊભી થઈ હતી. ભીડમાં અભિજિતે મારા નિતંબોને ચારથી પાંચ વખત દબાવ્યા હતા. મેં પાછળ ફરીને જોયું ત્યારે ગાયક અભિજિતને તરત ઓળખ્યો અને અણછાજતો સ્પર્શ શા માટે કર્યો એમ પૂછ્યું હતું. અભિજિતે બંગાળી ભાષામાં આવેશપૂર્વક દલીલો કરી અને મેં પણ સામે બંગાળીમાં જવાબો આપ્યા. તેણે પ્રેક્ષકોને જોવામાં અવરોધરૂપ બનતી હોવાનો આરોપ મૂક્યો. ત્યારે મેં કહ્યું કે મને ગમે ત્યાં અડવાનો તમને અધિકાર કોણે આપ્યો? અભિજિતે મને અને મારી ફ્રેન્ડને મંડપની ઑફિસમાં લઈ જવા મહિલા સ્વયંસેવકોને જણાવ્યું હતું. જોકે પછી અભિજિતની બહેન પણ ઝઘડો કરવામાં જોડાઈ હતી. બન્નેએ ગાળાગાળી કરવા ઉપરાંત મને ધમકીઓ પણ આપી હતી.’




પોલીસે શું કહ્યું ?

આ વિશે ઓશિવરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુભાષ ખંડવેલકરે આ  જણાવ્યું હતું કે ‘અભિજિત અને તેની બહેન સામે જાતીય સતામણી, ગુનાહિત હેરાનગતિ અને સમાન હેતુ જેવા ગુનાસર કેસ નોંધવામાં આવ્યો છે. હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.