લગ્ન કર્યાં હોવાની અફવા છે, જો મેં કર્યાં હોત તો એને છુપાવવાની જરૂર નથી : શ્રુતિ હાસન

28 December, 2023 06:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રુતિ ઘણા સમયથી શાંતનુ હઝારિકાને ડેટ કરે છે. એવામાં સોશ્યલ મીડિયામાં ફૅનના એક સવાલનો જવાબ આપતાં ઓરીએ શાંતનુનું નામ લીધા વગર તેને તેનો હસબન્ડ કહ્યો હતો.

શ્રુતિ હાસન

શ્રુતિ હાસને જણાવ્યું છે કે તેને તેનાં લગ્ન છુપાવવાની કોઈ જરૂર નથી. આ વાત તેણે ઓરી અવતરમાનીના એક નિવેદન પર કહી છે. શ્રુતિ ઘણા સમયથી શાંતનુ હઝારિકાને ડેટ કરે છે. એવામાં સોશ્યલ મીડિયામાં ફૅનના એક સવાલનો જવાબ આપતાં ઓરીએ શાંતનુનું નામ લીધા વગર તેને તેનો હસબન્ડ કહ્યો હતો. સાથે જ શ્રુતિનું વર્તન ખૂબ ખરાબ હોવાનું પણ તેણે જણાવ્યું હતું. ઓરીને એક ફૅને પૂછ્યું કે ‘ઓરી એવી કોઈ સેલિબ્રિટી છે જેણે તારી સાથે ફોટો ક્લ‌િક કરવામાં નાહકનો ઍટ્ટિટ્યુડ દેખાડ્યો હોય? જો તારે નામ ન આપવુ હોય તો માત્ર હિન્ટ આપી દે.’
તેને જવાબ આપતાં ઓરીએ લખ્યું કે ‘શ્રુતિ હાસન. ફોટો માટે પોઝ આપવા માટે નહીં, કારણ કે મેં તેને કદી પૂછ્યું પણ નથી. પરંતુ એક ઇવેન્ટમાં તેનું વર્તન ખૂબ ઘમંડી હતું. હું તો તેને ઓળખતો પણ નથી. મને ખૂબ ખરાબ લાગ્યું હતું. જોકે કદાચ કાંઈક તો ગેરસમજણ થઈ છે, કારણ કે તેના હસબન્ડ સાથે મારું સારું બને છે અને હું તેને સારી રીતે ઓળખું છું. સમયની સાથે આનું પણ સમાધાન આવી જશે. મને એક વાત એ પણ જા‌ણવા મળી છે કે શ્રુતિએ મને પ્યુન, સ્પૉટ બૉય કહ્યો હતો.’

શ્રુતિ તેના બિન્દાસ પણાને કારણે ખૂબ જ જાણીતી છે. તેણે જે કેવું હોય એ કોઈ પણ વિચાર કર્યા વગર કહી દે છે. ઓરીની આ વાત પર જવાબ આપતાં શ્રુતિએ જવાબ આપ્યો કે ‘જણાવી દઉં કે મારાં લગ્ન નથી થયાં. હું હંમેશાં દરેક બાબતને લઈને મુક્ત હોઉં છું તો પછી મારે લગ્ન છુપાવવાની શું જરૂર હોય? એથી જે લોકો મને નથી ઓળખતા તેઓ પ્લીઝ શાંત થઈ જાય.’

shruti haasan entertainment news bollywood buzz bollywood news bollywood bollywood gossips