15 December, 2022 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રિયા સરન
‘દૃશ્યમ 2’માં જોવા મળેલી શ્રિયા સરને જણાવ્યું છે કે તેને પ્રેગ્નન્સી વિશે જાહેર કરતાં ડર લાગતો હતો. તેને એ વાતનો ડર સતાવતો હતો કે લોકો તેને કામ આપવામાં સમય લગાવશે. શ્રિયાએ ૨૦૧૮માં આન્દ્રેઇ કોસ્ચિવ સાથે લગ્ન કરી લીધાં હતાં. ૨૦૨૧ની ૧૦ જાન્યુઆરીએ શ્રિયાએ દીકરીને જન્મ આપ્યો હતો અને તેનું નામ રાધા રાખ્યું છે. પ્રેગ્નન્સી વિશે શ્રિયા સરને કહ્યું કે ‘ઘણીબધી બાબતોનો ડર હતો. એમાં પણ પ્રેગ્નન્સી વિશે ન જણાવવાનું મુખ્ય કારણ એ હતું કે હું મારા એ તબક્કાને માણવા માગતી હતી અને પોતાની સાથે સમય પસાર કરવા માગતી હતી, છ મહિના દીકરી રાધા સાથે પસાર કરવા હતા અને વજન પણ વધારવું હતું. લોકો મારા વિશે શું લખશે એની મને ચિંતા નહોતી. મારે તો માત્ર મારી દીકરી પર ધ્યાન આપવાનું હતું. એ જ અગત્યનું કારણ હતું. સાથે જ બીજું કારણ એ પણ હતું કે જો હું મારી પ્રેગ્નન્સી વિશે કહીશ તો લોકો મને કામ આપવામાં પણ મોડું કરશે. આ વિઝ્યુઅલ મીડિયમ હોવાથી તમારો લુક મહત્ત્વ ધરાવે છે. એથી મેં જ્યારે કમબૅક કરીને મારી પ્રેગ્નન્સી વિશે જણાવ્યું તો હું કામ કરી રહી હતી અને મેં ત્રણ ફિલ્મો સાઇન કરી લીધી હતી. એ વખતે રાધા ૯ મહિનાની હતી અને મેં મારું વજન પણ ઘટાડી દીધું હતું. તો એ વાતનું મને પ્રેશર હતું.’