છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર થયું સૂરજ પે મંગલ ભારીનું શૂટિંગ

08 February, 2020 12:44 PM IST  |  Mumbai | Mohar Basu

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર થયું સૂરજ પે મંગલ ભારીનું શૂટિંગ

સૂરજ પે મંગલ ભારીનું શૂટિંગ

‘સૂરજ પે મંગલ ભારી’નાં એક દૃશ્યનું શૂટિંગ તાજેતરમાં મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર કરવામાં આવ્યું હતું. ડિરેક્ટર અભિષેક શર્માની આ ફિલ્મમાં દિલજિત દોસંજ, મનોજ બાજપાઇ અને ફાતિમા સના શેખ લીડ રોલમાં જોવા મળશે. આ દૃશ્ય માટે પહેલા તો સ્ટેશન ઉભુ કરવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે દૃશ્ય વાસ્તવિક દેખાય એ માટે સ્ટેશન પર જ શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. એ વિશે વધુ માહિતી આપતાં અભિષેક શર્માએ કહ્યું હતું કે ‘હૈદ્રાબાદમાં આવેલા રામોજી ફિલ્મ સિટીમાં પહેલેથી જ રેલ્વે સ્ટેશનનો સેટ બનાવેલો છે. ફિલ્મ મેકર્સ હંમેશાંથી શાંત વાતાવરણમાં શૂટિંગ કરવાનો આગ્રહ રાખતા હોય છે. જોકે મને એમાં રિયલ જેવુ લાગતું નહોતું. ફિલ્મની સ્ટોરી ૯૦નાં દાયકાની છે અને એથી જ વિક્ટોરિયા ટર્મિનસ યોગ્ય સ્થળ લાગ્યુ હતું. જોકે આ વધુ ખર્ચાળ થયુ છે, પરંતુ એ સ્થાન એ દૃશ્યમાં પ્રાણ પૂરે છે.’


સ્ટેશન પર શૂટિંગ માટે અગાઉથી મંજૂરી લેવી પડે છે. એ પણ મુંબઈ જેવા શહેરમાં જે હંમેશાં ધમધમતું રહે છે. અહીં લોકો પણ પોતાનાં ફૅવરિટ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. શૂટિંગ માટે રેલવેનાં અધિકારીઓએ તેમને પ્લૅટફૉર્મ નંબર ૧૦ ફાળવી આપ્યુ હતું. બે દિવસ સુધી એનું શૂટિંગ કરવામાં આવ્યુ હતું. એ વિશે અભિષેક શર્માએ કહ્યું હતું કે ‘અમે સવારે સાત વાગ્યાથી સાંજનાં સાત વાગ્યા સુધી શૂટિંગ કરતા હતાં. રેલવે વિભાગે અમને ડીઝલનાં એન્જિનવાળી સ્પેશ્યલ ટ્રેન શૂટિંગ માટે પૂરી પાડી હતી. વર્તમાનમાં જે ઇલેક્ટ્રિક ટ્રેન છે એવી આ ટ્રેન નહોતી. એ ૯૦નાં દાયકા જેવી હતી. એને જોઈને તો અમારામાં નાના બાળક જેવી ઉત્સુકતા જાગી હતી. અમે એનુ એન્જિન ચકાસવાની સાથે હૉર્ન વગાડવા લાગ્યા હતાં.’

રિયલ લોકેશન પર જ્યારે પણ શૂટિંગ કરવામાં આવે છે ત્યારે દુર્ઘટના ઘટતી હોય છે. એને ધ્યાનમાં રાખીને ટીમ દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. એ સંદર્ભે અભિષેક શર્માએ કહ્યું હતું કે ‘ભુતકાળમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે કે જેમાં ક્રુ મેમ્બર્સે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. લોકેશન પર શૂટિંગ શરૂ કરીએ એ પહેલા ક્રુ મેમ્બર્સ સાથે મી‌ટિંગ કરવામાં આવી હતી અને નિયમોનું સખતપણે પાલન કરવામાં આવે એવી મેં તેમને ચેતવણી આપી હતી.’

manoj bajpayee diljit dosanjh chhatrapati shivaji international airport bollywood news entertaintment mohar basu