09 July, 2026 02:31 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
અનુપમ ખેર હાલમાં અયોધ્યામાં છે જ્યાં તેમણે રામ મંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. આ સાથે જ પોતાની આગામી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’નું શૂટિંગ પણ શરૂ કર્યું છે. અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર મંદિર પરિસરમાંથી એક વિડિયો અને કેટલીક તસવીરો શૅર કરી છે. વિડિયોમાં તેમણે ભવ્ય મંદિરની સાથે ત્યાં દર્શન માટે આવેલા હજારો ભક્તોની ઝલક પણ બતાવી છે.
આ પોસ્ટની કૅપ્શનમાં અનુપમ ખેરે લખ્યું હતું કે ‘નવી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’ના શૂટિંગનો આજે અયોધ્યામાં પ્રથમ દિવસ છે. શ્રી રામ મંદિર જઈને રામલલાના આશીર્વાદ લીધા. પોતાના, પોતાના પરિવાર અને મિત્રોના કલ્યાણ માટે, ફિલ્મની સફળતા માટે અને આપ સૌ માટે પણ પ્રાર્થના કરી. દેશ-વિદેશમાંથી આવેલા હજારો રામભક્તો સાથે ‘જય શ્રી રામ’નો જયઘોષ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો.’
અયોધ્યાના રામ મંદિરમાં દર્શન કરીને અનુપમ ખેરે કહ્યું...ઘરમાં ચોરી થાય તો લોકો ચોરને જવાબદાર માને છે, ઘર પર લાંછન નથી લગાવતા
છેલ્લા કેટલાક સમયથી અયોધ્યાના રામ મંદિરમાં દાનની કથિત ચોરીની ભારે ચર્ચા થઈ રહી છે ત્યારે અનુપમ ખેરે સનાતન ધર્મ અને ભગવાન રામ પ્રત્યેની આસ્થા અકબંધ રાખતું એક સકારાત્મક નિવેદન આપ્યું છે. તેમણે અયોધ્યામાં રામલલાંના દર્શન કર્યા બાદ આ મામલે વાત કરતાં કહ્યું હતું કે ‘રામ મંદિરમાં દાનની ચોરીની ઘટના અત્યંત દુઃખદ છે અને આવું ક્યારેય બનવું જોઈએ નહીં. જોકે આવી ઘટના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને નબળી નહીં પાડી શકે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કોઈ એક ઘટનાથી ઓછી થતી નથી. જો કોઈના ઘરમાં ચોરી થાય છે તો લોકો ચોરને જવાબદાર માને છે, પણ ઘર પર કોઈ લાંછન કે કલંક લગાવતા નથી. રામ મંદિરમાં જે ઘટના બની છે એ ખોટી છે અને આવું નહોતું થવું જોઈતું હતું. પ્રભુ શ્રી રામ અને સનાતન ધર્મ યુગો-યુગોથી અસ્તિત્વ ધરાવે છે. તેથી આ પ્રકારની કોઈ એક ઘટનાના કારણે આપણી આસ્થા, સનાતન ધર્મ કે ભગવાન રામની ગરિમા પર કોઈ આંચ કે આક્ષેપ ન આવવો જોઈએ. જેણે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેને કાયદા મુજબ ચોક્કસ સજા થવી જ જોઈએ. કેટલાક લોકોની ભૂલના આધારે સમગ્ર મંદિર અથવા ત્યાં સેવા આપતા લોકો પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. આસ્થા વ્યક્તિગત વિશ્વાસનો વિષય છે અને આવી ઘટનાઓથી એ ડગતી નથી. ખોટાં તત્ત્વો અને ચોર દુનિયાના દરેક ખૂણે હોય છે, પણ એનાથી મંદિરની ભવ્યતા ઓછી થતી નથી.’