27 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘શોલે’ને ૫૦ વર્ષ પૂર્ણ થવાનાં છે.
ભારતીય સિનેમાના ઇતિહાસમાં પોતાનું ખાસ સ્થાન બનાવનાર બ્લૉકબસ્ટર ફિલ્મ ‘શોલે’ને ૫૦ વર્ષ પૂર્ણ થવાનાં છે. આ ફિલ્મ ૧૯૭૫ની ૧૫ ઑગસ્ટે રિલીઝ થઈ હતી. ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, હેમા માલિની, સંજીવકુમાર અને અમજદ ખાન સ્ટારર ‘શોલે’નાં ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એને ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મને અનકટ વર્ઝન સાથે રિલીઝ કરવામાં આવશે. ‘શોલે’નું નિર્દેશન રમેશ સિપ્પીએ કર્યું હતું. હવે ૨૭ જૂને એનું પ્રીમિયર ઇટલીમાં યોજાશે.
‘શોલે’ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે એના એન્ડમાં ઠાકુર બનતા સંજીવકુમાર વિલન ગબ્બર સિંહ એટલે કે અમજદ ખાનને પોલીસને સોંપી દે છે. હકીકતમાં ફિલ્મ શૂટ કરતી વખતે દર્શાવવામાં આવ્યું હતું કે ઠાકુર ડાકુ ગબ્બર સિંહને મારી નાખે છે, પણ આ સીન સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના નિર્દેશ બાદ મૂળ થિયેટર-રિલીઝમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. હવે અનકટ વર્ઝનમાં ઓરિજિનલ શૂટ થયેલો એન્ડ દર્શાવવામાં આવશે જેમાં ગબ્બર સિંહને ઠાકુર મારી નાખે છે. આમાં પહેલાં ક્યારેય ન દેખાડવામાં આવેલા સીન પણ સામેલ છે, જે CBFCના કહેવાથી કે નિર્માતાઓએ પોતાની મરજીથી એડિટિંગ વખતે હટાવી દીધા હતા.
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને સિપ્પી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચેના સંયુક્ત પ્રોજેક્ટના ભાગરૂપે આ અનકટ વર્ઝન રિલીઝ કરવાનો હેતુ ફિલ્મને એના મૂળ સ્વરૂપમાં બતાવવાનો છે.