19 July, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શિપ ઑફ થીસિયસમાં નીરજ કબી, જમણે દિગ્દર્શક આનંદ ગાંધી. (તસવીર સૌજન્ય - પીઆર)
શિપ ઑફ થીસિયસને તાજેતરમાં જ 12 વર્ષ પૂરા થાય છે, આ ફિલ્મને પગલે ભારતીય સિનેમાનો એક નવો આયામ રચાયો એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આનંદ ગાધીની આ પહેલી ફીચર ફિલ્મ હતી જેમાં પ્રાચીન ગ્રીક ફિલસૂલ પ્લૂટાર્કની વાતને ત્રણ અલગ અલગ વાર્તાઓ થકી દર્શકો સામે મૂકવામાં આવી હતી. આ ફિલ્મ એક મહત્વનો પ્રશ્ન ખડો કરતી હતી કે કોઈ પણ ચીજના હિસ્સાઓને ક્રમિક રીતે બદલવામાં આવે તો શું તે ચીજ જે હતી તેવી અસલ રહે છે? જ્યારે આસપાસનું બધું જ બદલાઇ જાય તો શું બચે અને જે બચે તે શું હોય છે, કોનું હોય છે, નવું હોય છે કે પછી મૂળનું જ રહે?
"શિપ ઑફ થીસિયસ" દુનિયાના ટોચના ફિલ્મ ફેસ્ટિવલ્સ (ટોરોન્ટો, ટોક્યો, વેનિસ)માં સન્માનિત થઇ અને ૨૦૧૪માં પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ જીતી ચૂકી છે. તેને યુકે ક્રિટિક્સ સર્કલ દ્વારા "૧૫ મોસ્ટ લાઇફ-ચેન્જિંગ ફિલ્મ્સ"માં સ્થાન મળ્યું હતું – આ યાદીમાં એકમાત્ર સમકાલીન ફિલ્મ તરીકે અહીં પહોંચેલી આનંદ ગાંધીની ફિલ્મ ભારતીય સિનેમાન વિશેની વૈશ્વિક ધારણાઓને પણ નવેસરથી વ્યાખ્યાયિત કરી. આ ફિલ્મ એક ચળવળ જાણે હતી અને તેના થકી કેટલાક મજબૂત કલાકારોની કારકિર્દીને પણ વેગ મળ્યો.
આ ફિલ્મમાં પંકજ કુમારની સિનેમેટોગ્રાફી હતી જેને અહેવાલોમાં દ્રશ્ય કવિતાનું ટેગ અપાયું. આ પછી તેમણે હૈદર" અને "બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવા" જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનર નિતિન ઝિહાની ચૌધરીએ "કલ્કી ૨૮૯૮ એડી" જેવા મોટા પ્રોજેક્ટ્સ સાથે પોતાનું નામ જોડ્યું. માંદગીથી હેરાન થતા યતિની ભૂમિકામાં નીરજ કબી હતા જે આજે ભારતના અતિ પ્રતિષ્ઠિત અભિનેતામાંના એક છે. લૉના ઇન્ટર્ન ચાર્વાકની ભૂમિકા વિનય શુક્લાએ ભજવી જેમણે બાદમાં નોન-ફિક્શનનું દિગ્દર્શન કર્યું. તેમણે "એન ઇનસિગ્નિફિકન્ટ મેન" અને "વ્હાઇલ વી વૉચ્ડ" જેવી ફિલ્મો બનાવી. આનંદ ગાંધીએ ત્યાર બાદ તુમ્બાડ ફિલ્મ પ્રોડ્યુસ કરી અને હોરર, લોકકથા અને પિતૃસત્તા જેવા વિષયોને તેમણે આ ફિલ્મમાં વણ્યા. 14 સપ્ટેમ્બર 2025માં તેમણે ટ્વિટ કરીને સ્પષ્ટ કર્યું કે તેઓ તુમ્બાડ 2નો ભાગ નથી. તેમણે તુમ્બાડ 2માં કામ કરવાની ના પાડી તેનું કારણ આપતા કહ્યું કે “મારા દર્શકો પ્રત્યે મારી જવાબદારી છે કે તેમને હું એ ચીજો પીરસું જે તેમને જોઇએ છે તેવું તેમને નથી ખબર - મેં જે આપ્યું છે તે જ મારે તેમને ફરી નથી આપવું.”
આનંદ ગાંધીએ મેમેસિસ કલ્ચર ક્લબની સ્થાપના કરી છે જે ભારતનું એક સૌથી પ્રભાવી કલ્ચરલ પાવરહાઉસ છે. મેમસિસે અસંખ્ય નોંધપાત્ર કાર્યોનું નિર્માણ કર્યું છે, જેમાં "એન ઇનસિગ્નિફિકન્ટ મેન" (ભારતની સૌથી વધુ કમાણી કરનાર નોન-ફિક્શન ફિલ્મ), "શાસન", એક વૈશ્વિક પુરસ્કૃત રાજકીય બોર્ડ ગેમ જેણે દેશમાં બોર્ડ ગેમિંગની સંસ્કૃતિ પુનઃસ્થાપિત કરી, "ઓકે કમ્પ્યુટર", એક મહત્વાકાંક્ષી સાય-ફાઇ કોમેડી સિરીઝ, અને "આઝાદી" જે "શાસન"ની સિક્વલ છે, તેનો સમાવેશ થાય છે.
તે હાલમાં ગોઆમાં સ્થિત છે અને વિનય શુક્લા, કણી કુસરુતિ જેવા સાથીઓ સાથે તેઓ સતત માળખાગત સુવિધાઓ અને કોમ્યુનિટી બિલ્ડિંગ પર કામ કરી રહ્યા છે. તેમણે ટ્રાન્સફોર્મેટિવ સ્ટોરી ટેલિંગ પર ધ્યાન આપ્યું છે અને શિપ ઑફ થીસિયસ વિશે તેમણે કહ્યું કે, "કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે સંવાદ સર્જવાનું મને ગમે છે."
આજે બાર વર્ષ પછી પણ "શિપ ઑફ થીસિયસ" એક સીમાચિહ્ન સમી ફિલ્મ છે અને વૈશ્વિક સ્તરે નિર્માતાઓ, વિવેચકો અને દર્શકોને પ્રેરણા આપે છે. તેમાં ઓળખ, પરિવર્તન અને દર્શન શાસ્ત્રના સૂર સંભળાય છે.