મને શાહરુખ કે અમિતાભની જરૂર નથી મારો સ્ટાર હું AIથી તૈયાર કરીશ

05 May, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

WAVES 2025માં શેખર કપૂરે જોકે આ ટેક્નૉલૉજીના ફાયદાની સાથે-સાથે નુકસાન પણ જણાવ્યાં

શેખર કપૂર

‘માસૂમ’, ‘મિસ્ટર ઇન્ડિયા’ અને ‘બૅન્ડિટ ક્વીન’ જેવી યાદગાર ફિલ્મો આપનાર ડિરેક્ટર શેખર કપૂર ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તેમણે ફિલ્મસ્ટાર્સ તેમ જ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આવનારા સમયમાં કોઈ સુપરસ્ટારની જરૂર નહીં પડે, કારણ કે તેઓ AIની મદદથી પોતાનો આગવો સ્ટાર તૈયાર કરી શકે છે.

શેખર કપૂરે WAVES 2025ના કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ‘હવે ઍક્ટર માત્ર ઍક્ટર રહી જશે, કારણ કે AI સ્ટાર્સ બનાવશે. હું એવું AI કૅરૅક્ટર બનાવી શકું છું જે સુપરસ્ટારની જેમ કામ કરશે અને એના પર મારો કૉપીરાઇટ હશે. આજકાલ કેટલાક એવા ઇન્ફ્લુએન્સર છે જે સાચા માણસો નથી અને AIએ તેમને બનાવ્યા છે. મારે શાહરુખ કે અમિતાભની જરૂર નહીં પડે, કારણ કે હું મારો આગવો સ્ટાર તૈયાર કરી શકીશ.’

આ વાતચીત દરમ્યાન શેખર કપૂરે AI મામલે ચેતવણી પણ આપી અને કહ્યું કે ‘AIની રચનાત્મક દુનિયા એવા લોકોને વધારે પાવર આપશે જે અત્યાર સુધી હાંસિયામાં ધકેલાયેલા હતા. જોકે મશીનો પર જરૂર કરતાં વધારે આધાર રાખવાની આદત ખતરનાક સાબિત થઈ શકે છે. વ્યક્તિની સૌથી મોટી તાકાત તેની ભાવના છે અને AI એને સંપૂર્ણ રીતે ક્યારેય નહીં સમજી શકે.’

shekhar kapur ai artificial intelligence bollywood bollywood gossips bollywood news bollywood buzz entertainment news