શીલા કી જવાની મારી કરીઅરનું સૌથી સસ્તું ગીત હતું

02 June, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફારાહ ખાને તીસ માર ખાનના આ ગીત માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો ફિલ્મફેર અવૉર્ડ પણ જીત્યો હતો

‘તીસ માર ખાન’નું ‘શીલા કી જવાની’ ગીતની તસવીર અને ફરાહ ખાન

ફરાહ ખાનની ગણતરી બૉલીવુડનાં લોકપ્રિય કોરિયોગ્રાફર-ડિરેક્ટર તરીકે થાય છે. તેણે અનેક સુપરહિટ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. હાલમાં ફારાહ ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘તીસ માર ખાન’નું ‘શીલા કી જવાની’ તેનું સૌથી ઓછા ખર્ચમાં શૂટ થયેલું સૉન્ગ છે.

આ ઇન્ટરવ્યુમાં ફારાહે કહ્યું હતું કે ‘મારું સૌથી ઓછું ખર્ચાળ ગીત ‘શીલા કી જવાની’ છે. જો તમે ગીત જોશો તો ખ્યાલ આવશે કે એમાં કોઈ જ સેટ નહોતો, માત્ર દસ ડાન્સર હતા અને અમે સાડાત્રણ દિવસમાં એનું શૂટિંગ પૂરું કરી લીધું હતું. આ મારી કરીઅરનું અત્યાર સુધીનું સૌથી ઓછા ખર્ચમાં બનેલું ગીત છે અને મજાની વાત તો એ છે કે મારી કરીઅરનાં ટોચનાં ગીતોમાં એનો સમાવેશ થાય છે.’

સુનિધિએ આપ્યો હતો અવાજ
વિશાલ-શેખરના સંગીત અને સુનિધિ ચૌહાણના દમદાર અવાજને કારણે આ ગીતે તરત જ લોકપ્રિયતા મેળવી લીધી. કૅટરિના કૈફની બોલ્ડ સ્ક્રીન-પ્રેઝન્સ અને ફારાહ ખાનની ધમાકેદાર કોરિયોગ્રાફીએ ‘શીલા કી જવાની’ને ‘તીસ માર ખાન’નું એક આઇકૉનિક ડાન્સ-નંબર બનાવી દીધું હતું. ફારાહ ખાનની આ કૉમેડી ફિલ્મમાં અક્ષય કુમાર અને કૅટરિના કૈફ લીડ રોલમાં હતાં. ફારાહે આ ગીત માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો ફિલ્મફેર અવૉર્ડ પણ જીત્યો હતો.

farah khan katrina kaif bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news