17 February, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શીબા આકાશદીપ
ટ્વિન્કલ ખન્ના સાથે પરણીને અક્ષય કુમાર ઠરીઠામ થયો એ પહેલાં રવીના ટંડન, શિલ્પા શેટ્ટી, પૂજા બત્રા સાથે તેનાં ઓપન અફેર હતાં. રેખા, પ્રિયંકા ચોપડા અને આયેશા જુલ્કા સાથે પણ તેણે છાનગપતિયાં કર્યાં હતાં એવી વાતો જે-તે સમયે ચર્ચાયેલી. જોકે હવે જાણવા મળ્યું છે કે અક્ષયનું શીબા સાથે પણ અફેર હતું અને આ વાત ખુદ શીબાએ હમણાં એક ઇન્ટરવ્યુમાં કહી છે. ૧૯૯૨માં ‘મિસ્ટર બૉન્ડ’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચે રિલેશનશિપની શરૂઆત થઈ હતી.
શીબા આકાશદીપે તાજેતરના ઇન્ટરવ્યુમાં અક્ષય સાથેના સંબંધ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘૧૯૯૨માં ‘મિસ્ટર બૉન્ડ’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન અક્ષય સાથે મારી મિત્રતા થઈ હતી અને એકમેક માટે અમારામાં લાગણી પણ વિકસવા માંડી હતી. અમારા બન્નેના રસ પણ એકસરખા હતા, પરંતુ અંતે અમે અલગ થઈ ગયાં. બ્રેકઅપ પછી અમારો સંબંધ મિત્રતા સુધી પણ નહોતો રહ્યો.’
આ ઇન્ટરવ્યુમાં અક્ષય કુમાર સાથેના સંબંધો વિશે શીબાએ કહ્યું કે ‘જ્યારે તમે યુવાન હો અને એકબીજા સાથે બહુ નજીક રહીને કામ કરતાં હો ત્યારે પ્રેમ થઈ જાય. અમે બન્ને ફિટનેસનાં શોખીન હતાં અને અમારા પરિવાર વચ્ચે પણ મિત્રતા હતી. મારી નાની અને તેમની મમ્મી બન્ને સાથે પત્તાં રમતાં હતાં. યંગ એજમાં પ્રેમ ઇમોશનલ અને શક્તિશાળી હોય છે. અમે બન્ને બાળકો હતાં. મને એ સમયની ઘણી બાબતો યાદ પણ નથી. એ વાતને ત્રણ દાયકાથી વધુ સમય થઈ ગયો છે.’
શીબાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે પોતાના એક્સ સાથે મિત્ર બની રહ્યાં છો? એનો જવાબ આપતાં તેણે કહ્યું, ‘જ્યારે તમે ખૂબ નાના હો અને ખૂબ ઇમોશનલ હો તો એવું નથી થતું. તમે એટલા ઇમોશનલ હો છો કે પછી લાંબા સમય સુધી નૉર્મલ પણ રહી શકતા નથી. યુવા પ્રેમ ખૂબ જ ઇમોશનલ અને શક્તિશાળી હોય છે અને એ એક વિસ્ફોટની જેમ હોય છે. જ્યારે વિસ્ફોટ થાય ત્યારે એનો એન્ડ આવી જાય છે અને પછી મિત્રતા ટકી શકતી નથી. કોઈ પણ સંબંધમાં ઘણું બધું રોકાણ કરવામાં આવે છે, એ પછી મિત્ર બની રહેવું મુશ્કેલ હોય છે. જ્યારે બન્ને વ્યક્તિ પરિપક્વ હોય ત્યારે જ બ્રેકઅપ પછી મિત્રતા ટકી રહે છે.’
શીબાએ ૧૯૯૬માં આકાશદીપ સબિર સાથે લગ્ન કર્યાં હતાં, જ્યારે અક્ષય ૨૦૦૧માં ટ્વિન્કલને પરણ્યો હતો.