૨૦૧૪નો દાદાસાહેબ ફાળકે અવૉર્ડ શશી કપૂરને મળશે

24 March, 2015 03:53 AM IST  | 

૨૦૧૪નો દાદાસાહેબ ફાળકે અવૉર્ડ શશી કપૂરને મળશે




પીઢ કલાકાર અને પ્રોડ્યુસર શશી કપૂરને ૨૦૧૪નો દાદાસાહેબ ફાળકે અવૉર્ડ આપવામાં આવશે. શશી કપૂર ૪૬મો દાદાસાહેબ ફાળકે અવૉર્ડ મેળવશે. ભારતીય સિનેમાની વૃદ્ધિ અને વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા તેમને આ અવૉર્ડ આપવામાં આવશે. આ અવૉર્ડમાં સુવર્ણ કમળ, ૧૦ લાખ રૂપિયા કૅશ અને એક શાલનો સમાવેશ છે. દાદાસાહેબ ફાળકે અવૉર્ડ માટે સરકારે એક સમિતિની રચના કરી છે જેમાં ખ્યાતનામ લોકોનો સમાવેશ છે. આ સમિતિએ નક્કી કર્યા મુજબ શશી કપૂરને ૨૦૧૪નો આ અવૉર્ડ આપવામાં આવશે. આ વર્ષે આ સમિતિમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ખ્યાતનામ પાંચ મેમ્બરની એક જ્યુરી બનાવવામાં આવી હતી જેણે વિચારણા કર્યા બાદ સર્વસંમતિથી શશી કપૂરને આ પ્રતિષ્ઠિત અવૉર્ડ આપવાનું નક્કી કર્યું હતું.

બૉલીવુડમાં કપૂર-ખાનદાનમાં ૧૯૩૮માં શશી કપૂરનો જન્મ થયો હતો. શશી કપૂર તેમની ઍક્ટિંગની સાથોસાથ પ્રોડ્યુસર તરીકે પણ જાણીતા છે. રાજ કપૂર બાદ કપૂર-ખાનદાનમાં શશી કપૂર બીજી વ્યક્તિ છે જેમને આ અવૉર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે.

શશી કપૂર રાજ કપૂર અને શમ્મી કપૂરના નાના ભાઈ છે. શશી કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત નાટકોમાં તેમણે ચાર વર્ષની ઉંમરથી ઍક્ટિંગ કરવાની શરૂઆત કરી હતી. તેમણે ફિલ્મોમાં ઍક્ટિંગ કરવાની શરૂઆત ૧૯૪૦ના દાયકાથી કરી હતી. એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમનો સૌથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ ૧૯૪૮માં આવેલી ફિલ્મ ‘આગ’ અને ૧૯૫૧માં આવેલી ફિલ્મ ‘આવારા’માં ગણવામાં આવે છે. આ ફિલ્મમાં તેમણે તેમના મોટા ભાઈ રાજ કપૂરની યુવાનીનું પાત્ર ભજવ્યું હતું. શશી કપૂરે ૧૯૫૦ના દાયકામાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

શશી કપૂરે મુખ્ય પાત્ર તરીકે ૧૯૬૧માં આવેલી ફિલ્મ ‘ધર્મપુત્ર’ દ્વારા શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તેમણે ૧૦૦થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૧૯૬૦, ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાના મધ્ય સુધી તેઓ સૌથી પૉપ્યુલર ઍક્ટર હતા.

ભારતીય કલાકારોમાં હૉલીવુડની ફિલ્મોમાં કામ કરનારા સૌપ્રથમ અભિનેતા શશી કપૂર હતા. તેમણે ઘણી અમેરિકન અને બ્રિટિશ ફિલ્મોમાં કામ કર્યું છે. એમાં પણ ખાસ કરીને ઇસ્માઇલ મર્ચન્ટ અને જેમ્સ આઇવરીનું પ્રોડક્શન-હાઉસ મર્ચન્ટ આઇવરીના પ્રોડક્શન્સ હેઠળ બનેલી ૧૯૬૩ની ફિલ્મ ‘ધ હાઉસહોલ્ડર’, ૧૯૬૫માં આવેલી ફિલ્મ ‘શેક્સપિયર વલ્લાહ’, ૧૯૭૦માં આવેલી ‘બૉમ્બે ટૉકી’ અને ૧૯૮૨માં આવેલી ‘હીટ ઍન્ડ ડસ્ટ’નો સમાવેશ છે. તેમણે હૉલીવુડની અન્ય ફિલ્મો ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘સિદ્ધાર્થ’ અને ૧૯૯૪માં આવેલી ફિલ્મ ‘મુહાફિઝ’માં પણ કામ કર્યું છે.

૧૯૭૮માં શશી કપૂરે તેમનો પ્રોડક્શન-હાઉસ ‘ફિલ્મવાલાઝ’ની શરૂઆત કરી હતી. તેમણે ફિલ્મ ‘જુનૂન’, ‘કલયુગ’, ‘૩૬ ચૌરંઘી લેન’, ‘વિજેતા’ અને ‘ઉત્સવ’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. આ સિવાય તેમણે અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની ફૅન્ટસી ફિલ્મ ‘અજૂબા’ ડિરેક્ટ અને પ્રોડ્યુસ પણ કરી હતી.

૨૦૧૧માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ અવૉર્ડ વડે નવાજવામાં આવ્યા હતા. આ સિવાય તેમને ત્રણ નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સ પણ મળ્યા હતા.