યે દોસ્તી હમ નહીં તોડેંગે

17 July, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનાયા કપૂર કહે છે કે તે, અનન્યા પાંડે અને સુહાના ખાન એકબીજા સાથે સ્પર્ધા કરવાનું વિચારી પણ ન શકે

શનાયા, અનન્યા અને સુહાના

સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે હાલમાં ‘આંખોં કી ગુસ્તાખિયાં’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મને તો ખાસ સફળતા નથી મળી, પણ શનાયાની ઍક્ટિંગ લોકોને પસંદ પડી છે. શનાયા તેના ફિલ્મી પરિવારની સાથે-સાથે અનન્યા પાંડે અને સુહાના ખાન સાથેની તેની દોસ્તીને લીધે પણ ચર્ચામાં રહી છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં શનાયાએ તેના ખાસ મિત્રો અનન્યા અને સુહાના સાથેની રિલેશનશિપ વિશે વાત કરી છે.

શનાયા, અનન્યા અને સુહાના વચ્ચે બાળપણથી સારી મિત્રતા છે. અનન્યાએ ૨૦૧૯માં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી ડેબ્યુ કર્યું હતું, જ્યારે સુહાનાએ ૨૦૨૩માં ‘ધી આર્ચીઝ’થી કરીઅરની શરૂઆત કરી હતી. હવે શનાયાએ બૉલીવુડમાં એન્ટ્રી લીધી છે.

હવે શનાયા, અનન્યા અને સુહાના ત્રણેય બૉલીવુડમાં સક્રિય છે ત્યારે આ વાતની અસર તેમની મિત્રતા પર પડી છે કે નહીં એ વાતની સ્પષ્ટતા કરતાં શનાયાએ કહ્યું હતું કે ‘સાચું કહું તો અમે મિત્રો નથી, પણ પરિવાર જેવા છીએ એટલે સ્પર્ધા વગેરે અમારા મનમાં પણ નથી. અમે ખરેખર એકબીજાને સમર્થન આપીએ છીએ અને હંમેશાં એકબીજાને આગળ વધવા પ્રોત્સાહન આપીએ છીએ. અમે સાથે મોટાં થયાં છીએ એટલે બાળપણથી જ અમે આ ક્ષણની વાતો કરતાં હતાં અને સપનાં જોતાં હતાં. અમે હંમેશાં એકબીજાની સાથે છીએ.’

Shanaya Kapoor Ananya Panday suhana khan bollywood buzz bollywood gossips bollywood entertainment news