સલ્લુ માટે કિંગ ખાનનો વિરહ

17 November, 2011 09:18 AM IST  | 

સલ્લુ માટે કિંગ ખાનનો વિરહ



બૉલીવુડમાં એક વાત તો વષોર્થી પ્રચલિત છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ કલાકાર હંમેશ માટે મિત્ર કે દુશ્મન બનીને નથી રહી શકતા. જોકે આ વાત અત્યાર સુધી સલમાન-શાહરુખ ખાનના ઝઘડા માટે ખોટી સાબિત થઈ રહી છે. જોકે શાહરુખે મંગળવારે અંધેરીના એક સ્ટુડિયોમાં યોજાયેલા અવૉર્ડ સમારંભમાં વીતેલી વાતોને ભૂલી જવાની તૈયારી બતાવી હતી અને ઇચ્છા કરી હતી કે સલ્લુને મળેલા અવૉર્ડને તે ખુદ આપવા માગતો હતો.

આ અવૉર્ડ-સેરેમનીમાં ‘બૉડીગાર્ડ’ ફિલ્મ માટે સલમાન-કરીનાને બેસ્ટ ઑનસ્ક્રીન કપલનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. શાહરુખ પોતે આ અવૉર્ડ આપવા માટે સ્ટેજ પર હતો. જોકે ફિલ્મજગત સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે કે કિંગ ખાનને પહેલાંથી જ વિજેતા કોણ હશે એની જાણકારી હતી અને જો તેને લાગ્યું હોત કે સલમાન સાથેની દુશ્મનીને ધ્યાનમાં રાખી તે અવૉર્ડ નથી આપવા માગતો તો તે ના પણ પાડી શક્યો હોત. જોકે કિંગ ખાને આ અવૉર્ડ આપવાની તૈયારી બતાવી હતી.

સલમાન-કરીના બેમાંથી કોઈ અત્યારે શહેરમાં ન હોવાથી તેઓ હાજર નહોતાં. આ કારણે જ સલમાનની બહેન અલ્વિરા અને બનેવી અતુલ અગ્નિહોત્રીએ સ્ટેજ પર આવીને અવૉર્ડ સ્વીકાર્યો હતો. કિંગ ખાન બન્ને સાથે મૈત્રીભાવથી મળ્યો હતો અને અવૉર્ડ આપ્યો હતો. ત્યાર પછી માઇક પર જ તે બધાને સંભળાય એ રીતે બોલ્યો હતો કે સલમાન અને કરીના અવૉર્ડ લેવા માટે કાશ હાજર હોત. સ્વાભાવિક છે કે તેના આ વાક્ય બાદ બધા ઘણા સરપ્રાઇઝ થયા હતા.