આટલાં વરસે ત્રીજા બાળકની જરૂર કેમ પડી એનો પહેલી જ વાર ફોડ પાડ્યો શાહરુખ ખાને

06 December, 2013 06:21 AM IST  | 

આટલાં વરસે ત્રીજા બાળકની જરૂર કેમ પડી એનો પહેલી જ વાર ફોડ પાડ્યો શાહરુખ ખાને




સરોગસી દ્વારા તથા પ્રીમૅચ્યોર જન્મેલા શાહરુખ ખાનના ત્રીજા બાળકની તબિયત હવે સારી છે. તેના પપ્પાની જેમ તેના ગાલ પર પણ ખાડા પડે છે.

જુલાઈ મહિનામાં શાહરુખે તેનો જન્મ થયાની જાહેરાત કરી હતી. શાહરુખે કહ્યું હતું કે ‘અબરામ હવે સારો છે. તેના કારણે ઘરમાં બધા ખુશ છે. તેના ગાલ પર પણ ખાડા પડે છે. લોકોને ગાલમાં ખાડા પડતા હોય એ બહુ સારું લાગતું હોય છે.’

બુધવારે દિલ્હીમાં ઇન્ડિયા ટુડે ગ્રુપના એજન્ડા આજ તક કૉન્ક્લેવમાં વાતચીત કરતી વખતે તેણે આ વાત કહી હતી. શાહરુખ ખાનને આર્યન નામનો પુત્ર તથા સુહાના નામની પુત્રી છે. બન્ને ટીનેજર છે.

લગ્નનાં આટલાં વર્ષ બાદ શા માટે તેમણે બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો એવા પ્રશ્નના જવાબમાં શાહરુખે કહ્યું હતું કે ‘મારો મોટો દીકરો ૧૬ વર્ષનો તો દીકરી ૧૩ વર્ષની છે. જોકે છેલ્લાં પાંચ વર્ષથી તેઓ ઘરની બહાર જતાં થયાં છે. અગાઉ તેઓ વાંદરાના બાળકની જેમ અમને ચીપકતાં હતાં. તેમની સાથે અમે ઘણો સમય વિતાવતાં. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી એવો માહોલ છે કે તેઓ પોતાના મિત્રો જોડે તેમની રૂમમાં રહેતાં. તેઓ ઘરે છે કે નહીં એ વાતની પણ અમને ઘણી વખત ખબર નહોતી પડતી. એથી અમને અમારાં સંતાનો સાથે સમય વિતાવવા નહોતો મળતો એવી ખોટ સાલતી હતી. મારો દીકરો ભણવા માટે લંડન ગયો અને દીકરી પણ જવા માગે છે. અમે તેઓ જે કરવા માગે એની છૂટ આપવા માગીએ છીએ, પરંતુ અમને અમારાં બાળકોની હાજરીની ખોટ વર્તાતી હતી.’

શાહરુખે વધુમાં કહ્યું હતું કે બાળકને કારણે ગૌરી વ્યસ્ત રહે છે અને તેમના જીવનમાં ઘણી ખુશીઓ આવી છે.