ઇન્ટરનૅશનલ માર્કેટમાં કિંગનું રાજ

29 December, 2011 06:07 AM IST  | 

ઇન્ટરનૅશનલ માર્કેટમાં કિંગનું રાજ



શાહરુખ ખાનની ‘ડૉન ૨’ અત્યારે ભલે ભારતીય માર્કેટમાં થોડી ડગમગી રહી હોય, પણ હવે લાગી રહ્યું છે કે ઇન્ટરનૅશનલ માર્કેટમાં થયેલા બિઝનેસને કારણે ફિલ્મની સફળતા લગભગ નિશ્ચિતગણી શકાય. એક મોટા બજેટની ફિલ્મની સરખામણીમાં પણ આ ફિલ્મ ઇન્ટરનૅશનલ માર્કેટમાં એક એવું ઓપનિંગ મેળવી શકી છે જે કોઈ પણ ભારતીય ફિલ્મ માટે અભૂતપૂર્વ ગણી શકાય. આ ફિલ્મે તેના પહેલા વીક-એન્ડમાં કુલ સાત મિલ્યન ડૉલર્સ (આશરે ૩૭ કરોડ રૂપિયા)ની કમાણી કરી છે અને ઘણી ઇન્ટરનૅશનલ માર્કેટ્સમાં તે ટૉપ-ટેનના ચાર્ટ્સમાં પણ આવી ગઈ છે.

શાહરુખ ખાન, પ્રિયંકા ચોપડા, લારા દત્તા અને બમન ઈરાની સાથેની ફરહાન અખ્તરની આ ફિલ્મ આજ સુધીની ભારતની સૌથી મોટી ઇન્ટરનૅશનલ રિલીઝ ગણવામાં આવે છે. અમુક યુરોપિયન અને અમેરિકન સેન્ટર્સમાં ક્રિસમસના દિવસે થિયેટર્સ બંધ હોવા છતાં ફિલ્મે ઘણો સારો બિઝનેસ કરી લીધો છે. આ પરથી લાગી રહ્યું છે કે ફરહાન અને શાહરુખે ફિલ્મને ભારત કરતાં આ દેશોમાં રિલીઝ કરવાનો દાવ ખેલ્યો હતો એ સફળ થયો છે. 

આ ઉપરાંત ફિલ્મને મધ્ય-પૂર્વ એશિયા એટલે કે આરબ દેશોમાં પણ જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. આને કારણે જ ટ્રેડ-વિશેષજ્ઞો માને છે કે આ ફિલ્મ તેના મોટા બજેટની સરખામણીમાં ઘણો સારો પ્રૉફિટ કરાવી શકશે, કારણ કે ભારતમાં પણ ફિલ્મના બિઝનેસમાં જેટલો ઘટાડો જોવા નથી મળ્યો.

‘ડૉન ૨’નો ઇન્ટરનૅશનલ બિઝનેસ

બ્રિટન : બુધથી રવિવાર સુધીમાં ૪.૬૪ કરોડ રૂપિયા

અમેરિકા : શુક્રથી સોમવારમાં કુલ ૧૧.૧૪ કરોડ રૂપિયા

મધ્ય-પૂર્વ એશિયા : ગુરુથી સોમવાર સુધીમાં ૯.૦૧ કરોડ રૂપિયા

ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ : ગુરુથી સોમવાર સુધીમાં કુલ ૨.૫ કરોડ રૂપિયા

ફિજી : ગુરુથી સોમવાર સુધીમાં ૧૨ લાખ રૂપિયા

પાકિસ્તાન : પહેલા વીક-એન્ડમાં કુલ ૧.૭૫ કરોડ રૂપિયા. પાકિસ્તાનના ઉત્તર-પશ્વિમ ભાગમાં રિલીઝ થનારી આ પહેલી હિન્દી ફિલ્મ છે.