ડૉનની ચાલ અત્યારે તલવારની ધાર પર

27 December, 2011 05:55 AM IST  | 

ડૉનની ચાલ અત્યારે તલવારની ધાર પર



શાહરુખ ખાન માટે નસીબના પાસા હજી તેની ધારણા મુજબ ન પડતા હોય એવું લાગી રહ્યું છે. દિવાળીમાં ‘RA.OnE’ સાથે તો તેનો પ્રયોગ એટલી સફળતા નથી જ અપાવી શક્યો ત્યારે તેનો બીજો પ્રોજેક્ટ ‘ડૉન ૨’ પણ એ જ દિશામાં જઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મને ત્રણ દિવસમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને ક્રિસમસ વીક-એન્ડ હોવાથી મલ્ટિપ્લેક્સમાં તેનો બિઝનેસ ઘણો સંતોષકારક છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટરમાં ફિલ્મને જોનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે અને આને કારણે ફિલ્મની સફળતા પર પ્રશ્નાર્થ મુકાઈ ગયા છે.

પીઢ ટ્રેડ-વિશેષજ્ઞ આમોદ મેહરા કહે છે, ‘સામાન્યપણે જોવા મળે છે કે શુક્રવારની રિલીઝ બાદ શનિ અને રવિવારે ફિલ્મને વધુ સારું ઑડિયન્સ મળી રહેતું હોય છે. જોકે ‘ડૉન ૨’ના બિઝનેસમાં શનિવારે ઘટાડો જોવા મળ્યો હતો, જે સારી નિશાની નથી. રવિવારે પણ જોઈએ એવો જમ્પ નહોતો જોવા મળ્યો. જોકે સોમવાર સામાન્ય ફિલ્મો કરતાં સારો રહ્યો છે અને ઓવરઑલ કલેક્શન સારું કહી શકાય, પણ ફિલ્મને તેના ખર્ચના ૧૧૦ કરોડ રૂપિયા સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ નડશે અને જો એ કરી લે તો પણ ફિલ્મને બ્લૉકબસ્ટર ફિલ્મ તો નહીં જ ગણી શકાય.’

કહેવામાં આવે છે કે ફિલ્મે ત્રણ દિવસમાં ૪૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે અને તામિલ-તેલુગુ વર્ઝનને ધ્યાનમાં રાખીને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના સ્ટેટમેન્ટમાં ફિલ્મને ૪૮.૫ કરોડ રૂપિયાની કમાણી થઈ હોય એવું કહેવામાં આવ્યું છે. અનિલ અંબાણીની આ કંપનીએ પ્રોડ્યુસરો શાહરુખ, ફરહાન અને રિતેશ પાસેથી ફિલ્મ કુલ ૮૦ કરોડ રૂપિયામાં ખરીદી છે. આ ઉપરાંત ૧૦ કરોડ રૂપિયા ફિલ્મને ૩Dમાં કન્વર્ટ કરવાના અને ૧૮ કરોડ રૂપિયામાં પ્રિન્ટ ઍન્ડ ઍડ્વર્ટાઇઝિંગ થયું છે. કુલ ૧૦૮ કરોડ રૂપિયાનું ફિલ્મનું બજેટ ગણી શકાય.

જોકે દિલ્હીના મુક્તા આર્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સના સંજય ઘઈ કહે છે, ‘ફિલ્મ પૈસા બનાવશે જ. આ શુક્રવારે કોઈ મોટી ફિલ્મ નથી અને ન્યુ યરનો સમય છે એટલે લોકો ફિલ્મ જોવા જશે જ. બધાને જ ફિલ્મ ન ગમી હોય એવું જરાય નથી. ત્રણ દિવસના કલેક્શનને ધ્યાનમાં રાખતાં આ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી તો આસાનીથી કરી લેશે.’

આ ઉપરાંત ફિલ્મે સૅટેલાઇટ રાઇટ્સમાં કુલ ૩૬ કરોડ અને ઑડિયો રાઇટ્સમાં ૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આના આધારે ફિલ્મને નફો થશે એવું તેઓ માને છે.