મારી સલામતી માટે શાહરુખ ગોળી ખાવા પણ તૈયાર હતો : કરણ જોહર

18 September, 2023 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરને ભૂતકાળમાં મળતી ધમકીઓને કારણે શાહરુખ ખાન તેની વહારે આવ્યો હતો અને તેને માટે ગોળી ખાવા પણ તૈયાર થઈ ગયો હતો.

કરણ જોહર

કરણ જોહરને ભૂતકાળમાં મળતી ધમકીઓને કારણે શાહરુખ ખાન તેની વહારે આવ્યો હતો અને તેને માટે ગોળી ખાવા પણ તૈયાર થઈ ગયો હતો. શાહરુખ અને કરણની ફ્રેન્ડશિપ જગજાહેર છે. કરણ જોહરને મારી નાખવાની ધમકી મળતી હતી અને એને કારણે તેણે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી રાખી હતી. સાથે જ પોતાની ફિલ્મના પ્રીમિયરમાં પણ હાજરી નહોતી આપી. એ દરમ્યાન શાહરુખ કઈ રીતે તેના પડખે ઊભો રહ્યો હતો એ વિશે કરણ જોહરે કહ્યું કે ‘હું સિક્યૉરિટીને કારણે એક નાનકડી રૂમમાં બેઠો હતો. કેટલાક લોકો હતા જેઓ મારી ફિલ્મની રિલીઝ અટકાવવા માગતા હતા. પ્રશાસને કહ્યું કે તમે ફિલ્મ રિલીઝ કરો. એ વખતે શાહરુખે મને કારમાંથી બહાર કાઢ્યો અને મારી સામે ઊભો રહી ગયો હતો. તેણે કહ્યું હતું કે ‘કોઈ તને કાંઈ નહીં કરે.’ એ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં. શાહરુખે કહ્યું કે ‘તું અહીંથી જઈશ નહીં. તારે બદલે હું ગોળી ખાઈશ. તું અહીંથી હટતો નહીં.’ આ સાંભળીને મારા પેરન્ટ્સની ચિંતા વધી ગઈ હતી. એ દિવસે શાહરુખની વાત સાંભળીને મને એહસાસ થયો કે આ રિલેશનશિપ આજીવન રહેશે.’

‘કુછ કુછ હોતા હૈ’ના ઇન્ટરવલમાં ૩૦૦ મહિલાઓ બહાર નીકળી હોવાથી ગભરાઈ ગયો હતો કરણ જોહર
 ‘કુછ કુછ હોતા હૈ’ના શોમાંથી જ્યારે એકસાથે ૩૦૦ મહિલાઓ ઇન્ટરવલ દરમ્યાન ઊભી થઈ ગઈ હતી એ જોઈને કરણ જોહર ટેન્શનમાં આવી ગયો હતો. શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખરજીની આ ફિલ્મ ૧૯૯૮માં રિલીઝ થઈ હતી. એ ફિલ્મ ખૂબ સફળ રહી હતી, પરંતુ એ સફળતાને કરણ જોહર માણી શક્યો નહીં, કેમ કે તેને આ ફિલ્મની રિલીઝ અટકાવવાની ધમકી મળતી હતી. એથી ફિલ્મના પ્રીમિયર બાદ કરણ તેના ડૅડી યશ જોહર અને મમ્મી હીરુ જોહર સાથે લંડન ઊપડી ગયો હતો. આ ફિલ્મને લઈને લોકોનાં શું રીઍક્શન છે એ જોવા માટે તે લંડનના સિંગલ સ્ક્રીન થિયેટરમાં પહોંચ્યો હતો. ત્યારે ઇન્ટરવલમાં મહિલાઓને બહાર નીકળતી જોઈને કરણની ચિંતા વધી ગઈ હતી. એટલે તેના ડૅડીએ એ મહિલાઓને એનું કારણ પૂછ્યું હતું. એ વિશે કરણે કહ્યું કે ‘મારા ડૅડી બહાર ગયા અને જોયું કે લેડીઝ વૉશરૂમની બહાર લાંબી લાઇન હતી. એટલે તેમણે તેમને પૂછ્યું કે આટલી ભીડ કેમ થઈ છે? ત્યારે તેમણે જણાવ્યું કે ફિલ્મ જોતી વખતે અમે એટલું રડ્યા કે અમારું મસ્કરા ફેલાઈ ગયું છે.’

bollywood news karan johar Shah Rukh Khan entertainment news