છુટકીનો રોલ મને શાહરૂખ ખાનની ભલામણથી મળેલો

14 December, 2014 05:17 AM IST  | 

છુટકીનો રોલ મને શાહરૂખ ખાનની ભલામણથી મળેલો


સન્ડે-સ્પેશ્યલ-રશ્મિન શાહ

૧૦૦૦ અઠવાડિયાંથી સતત ચાલી રહેલી અને સૌથી વધુ સમય સુધી થિયેટરમાં ટકી રહેવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવી ચૂકેલી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં કાજોલની નાની બહેનનું કૅરૅક્ટર કરનારી છુટકી એટલે કે પૂજા રૂપારેલનો ચહેરો જુઓ તો આંખ સામે અઢળક ઍડસ આવી જાય. ઍરટેલ, ડૉમિનોઝ પીત્ઝા, રોગન બાદામ હેર-ઑઇલ, પાર્લે બિસ્કિટ્સ, તાતા સોનાટા રિસ્ટ-વૉચ, ગોદરેજ ઈઝી, ટેમ્પ્ટેશન ચૉકલેટ અને એવી સેંકડો પ્રોડક્ટ્સની ઍડસ કરી ચૂકેલી કચ્છી લોહાણા જ્ઞાતિની પૂજા રૂપારેલ મૂળ તો વલસાડ જિલ્લાના સિલવાસાની છે, પણ દસકાઓથી મુંબઈમાં સેટ થઈ ગઈ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે પૂજા રૂપારેલ શત્રુઘ્ન સિંહાની ભત્રીજી થાય છે અને એ દૃષ્ટિએ પૂજા સોનાક્ષીની કઝિન-સિસ્ટર થાય. પૂજાની મમ્મી સુનીતા અને સોનાક્ષીની મમ્મી પૂનમ સિંધી છે, પણ પૂજાની મમ્મી સુનીતાએ ગુજરાતી લોહાણા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સુધીર રૂપારેલ સાથે લવમૅરેજે કર્યા. સુધીરભાઈનું એક રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું એ પછી પૂજા તથા તેની મમ્મી મુંબઈમાં જ સેટલ થઈ ગયાં.

‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’થી બૉલીવુડની એક ક્લાસિક લવ-સ્ટોરી સાથે કાયમ માટે જોડાઈ ગયેલી પૂજાને છુટકીનો રોલ કાંઈ આસાનીથી નહોતો મળી ગયો. એ રોલ માટે પૂજાએ ૬ વખત ઑડિશન્સ આપ્યાં હતાં, જેમાં બે ઑડિશન તો પૂજાએ કાજોલ સાથે આપવાં પડ્યાં હતાં. કાજોલ સાથેના ઑડિશન ઉપરાંત ડિરેક્ટર આદિત્ય ચોપડાએ પૂજા અને કાજોલનું ફોટો-શૂટ પણ કર્યું હતું. પૂજા પોતાની એ જૂની વાતોને યાદ કરતાં કહે છે, ‘એ વખતે મારું અને કાજોલનું નાક સિમિલર આવતું હતું એટલે લંડનમાં તો બધા અમને રિયલ સિસ્ટર જ માનતાં હતાં. હું તો ક્લૅરિફાય કરતી, પણ કાજોલ તો એવું પણ નહોતું કરતી અને એમ જ દેખાડતી જાણે હું તેની નાની સિસ્ટર હોઉં.’‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ વખતે પૂજાની ઉંમર ૧૨ વર્ષ હતી.


પાંચ વર્ષની ઉંમરથી જ પૂજા મૉડલિંગ કરતી હતી. રસના, બ્રિટાનિયા ગુડ-ડે, નેસ્લે જેવી અનેક પ્રોડક્ટમાં તેણે એ એજમાં કામ કર્યું હતું. પૂજાની મમ્મી સુનીતા કહે છે, ‘કૅમેરા-ફ્રેન્ડલી હોવાથી પૂજા પાસે બહુ રીટેક કરાવવા નહોતા પડતા એ તેનો સૌથી મોટો પ્લસ-પૉઇન્ટ હશે એવું હું માનું છું. ૯ વર્ષની ઉંમરે જીજાજીના ઘરે પૂજાનો એક ડાન્સ-પર્ફોર્મન્સ બધા જોતા હતા ત્યારે જ રાકેશ રોશનનાં વાઇફ પિન્કી રોશન ઘરે આવ્યાં. તેમણે પણ એ પર્ફોર્મન્સ જોયો. ટીવી-ઍડ્સની વાત નીકળી. પિન્કી રોશને એ વાત ઘરે જઈને રાકેશ રોશનને કરી. રાકેશ રોશન એ વખતે જૅકી શ્રોફ અને શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ અંકલ’ માટે એક છોકરી શોધતા હતા. તેમણે પૂજાને ઑડિશન માટે બોલાવી અને પૂજાનો પર્ફોર્મન્સ જોઈને ‘કિંગ અંકલ’ની ઑફર કરી.’


‘કિંગ અંકલ’નું શૂટિંગ શરૂ થયું ત્યારે પૂજાની ઉંમર ૯ વર્ષ હતી અને એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પૂજાને દસમું વર્ષ ચાલતું હતું. ૧૯૯૩ની વાત છે. પૂજાએ વચ્ચે બે વર્ષનો બ્રેક લીધો અને એ બ્રેક પછી એક દિવસ અચાનક જ તેને આદિત્ય ચોપડાનો ફોન આવ્યો. પૂજાને ફિલ્મમાં લેવા માટે બીજા કોઈએ નહીં, શાહરુખ ખાને જ ભલામણ કરી હતી. પૂજા કહે છે, ‘અમે ‘કિંગ અંકલ’માં સાથે કામ કર્યું હતું એટલે નૅચરલી એ કામને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું હશે. આદિત્ય ચોપડાના ફોન પછી ઑડિશનની પ્રોસેસ શરૂ થઈ. આજે ઑડિશનમાં લુક-ટેસ્ટથી લઈને ફૅમિલી-મેમ્બર બનતા કૅરૅક્ટરની સાથે લુક-મૅચની ટેસ્ટ થાય છે, પણ એ સમયે તો એ બધું નવું હતું, પણ આદિત્ય ચોપડાએ એ બધી જ ફૉર્માલિટી પહેલાં કરી અને એ પછી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ સાઇન કરી.’‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ જેવી મેજર સુપરહિટ ફિલ્મ સાઇન કર્યા પછી સામાન્ય રીતે ફિલ્મોનો ઢગલો થવા માંડે, પણ પૂજાએ એ બધાં કામને હાંસિયાની બહાર મૂકીને પોતાના સ્ટડી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. પૂજા સ્પષ્ટતા સાથે કહે છે, ‘બધા એવું માને છે કે એ ફિલ્મ પછી મેં એજ્યુકેશન માટે બ્રેક લીધો હતો, પણ હું માનું છું કે એવું નથી. હકીકત એ હતી કે મેં એજ્યુકેશનમાંથી નાનકડો બ્રેક લીધો હતો અને એ બ્રેકમાં આ ફિલ્મો કરી. એ ફિલ્મો પછી મેં ફરીથી મારું એજ્યુકેશન શરૂ કર્યું અને પૂરેપૂરી મહેનત સાથે એ પૂરું કર્યું.’


સાયકોલૉજીના વિષય સાથે ગ્ખ્ અને ઇન્ડસ્ટ્રિયલ સાયકોલૉજીના સબ્જેક્ટ સાથે માસ્ટર્સ કરનારી પૂજાની ફિલ્મી કરીઅર ખાસ કાંઈ લાંબી નથી. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પછી તેણે ભણવાનું પૂરૂ કરવાની સાથે માંડ એકથી બે ફિલ્મ કરી, પણ તેણે આ સમયગાળા દરમ્યાન મૉડલિંગના ફીલ્ડમાં લૅન્ડમાર્ક કામ કર્યું. અત્યાર સુધીમાં લગભગ ૫૦૦થી પણ વધુ ટીવી-કમર્શિયલ કરી ચૂકેલી પૂજાને વચ્ચે-વચ્ચે જ્યારે પણ બ્રેક મળ્યો છે ત્યારે તેણે ટીવી-સિરિયલ કે હિન્દી થિયેટર પણ કર્યા છે. ગયા વર્ષે કલર્સ ચૅનલ પર આવેલી અનિલ કપૂરની સિરિયલ ‘૨૪’માં પણ પૂજાએ અત્યંત મહત્વનું કૅરૅક્ટર કર્યું હતું તો આ જ સિરિયલની સેકન્ડ સીઝન માટે પણ પૂજા ફાઇનલ છે. પૂજા કહે છે, ‘હું મૂડી છું અને મૂડી હોવાની સાથોસાથ મને ક્રીએટિવ કામોમાં બહુ ઇન્ટરેસ્ટ છે. કામ મળે એટલે કામ કરવું એવું તો હું બિલકુલ નથી માનતી. જો એવું માનતી હોત તો અત્યારે હું ઢગલાબંધ સિરિયલ અને ફિલ્મ ગણાવતી હોત, પણ મને એવું નથી કરવું. મને મજા આવે એવું કામ કરવું છે અને એવું જ કામ હું કરતી રહીશ.’
અત્યારે પૂજા ડિરેક્ટર વિક્રમ કાપડિયાના નવા નાટકનું રિહર્સલ કરી રહી છે તો જાન્યુઆરીમાં પૂજાએ ‘ડર્ટી ટૉક ૬.૦’ નામનું એક નાટક પણ ડિરેક્ટ કર્યું હતું. આ નાટકમાં કલ્કી કોચલિને ગેસ્ટ-અપીઅરન્સ પણ કર્યો હતો. પૂજા કહે છે, ‘થિયેટરની સાથોસાથ મેં હમણાં સ્ટૅન્ડ-અપ કૉમેડી પણ શરૂ કરી છે. મને ગમે છે એ બધું હું કરું છું. મારે તો એક રૉક બૅન્ડ પણ શરૂ કરવું છે.’


બે ફિલ્મ અને એક પૂજા

બૉલીવુડની બે સૌથી મોટી ફિલ્મમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ અને ‘શોલે’નો સમાવેશ છે. આ બન્ને ફિલ્મ સાથે પૂજાનું કનેક્શન છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ સાથે ડાયરેક્ટ કનેક્શન છે તો પૂજા અંધેરીના નાના-નાની પાર્ક પાસે આવેલા જે બિલ્ડિંગમાં રહે છે એ બિલ્ડિંગનું નામ ‘શોલે’ છે.