તો શાહરુખ ખાનની કરીઅર રાજકુમાર સાથેની ફિલ્મ પોલીસ પબ્લિકથી થઈ હોત!

09 January, 2020 12:56 PM IST  |  Mumbai | Ashu Patel

તો શાહરુખ ખાનની કરીઅર રાજકુમાર સાથેની ફિલ્મ પોલીસ પબ્લિકથી થઈ હોત!

શાહરુખ ખાન

શાહરુખ ખાન હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હીરો બનવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો એ વખતની આ વાત છે. એ વખતે શાહરુખ કેટલાય ફિલ્મ-ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસરની ઑફિસનાં પગથિયાં ઘસી ચૂક્યો હતો અને એ સમયમાં શાહરુખને ઘણી બધી જગ્યાએથી જાકારો મળ્યો હતો. મોટા ભાગના પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સને તેનામાં દમ લાગતો નહોતો!

શાહરુખના સંઘર્ષના દિવસો દરમ્યાન પ્રોડ્યુસર પ્રાણલાલ મહેતા રાજકુમારને લીડ રોલમાં લઈને ‘પોલીસ પબ્લિક’ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. એ ફિલ્મનું દિગ્દર્શન તેમણે ઇસ્માઇલ શ્રોફને સોંપ્યું હતું. રાજકુમાર ઉપરાંત નસીરુદ્દીન શાહ, કબીર બેદી, પૂનમ ધિલ્લોન, પ્રેમ ચોપડા, એ. કે. હંગલ, રાજકિરણ, રાકેશ બેદી, ઇલા અરુણ, જયશ્રી અરોરા સહિતના કલાકારોને એ ફિલ્મ માટે સાઇન કરી લેવાયાં હતાં. તેઓ એ ફિલ્મમાં એક નવોદિત અભિનેતાને સાઇન કરવાનું વિચારી રહ્યા હતા એટલે એ સમયમાં ઘણા નવોદિત અભિનેતાઓને મળી રહ્યા હતા.

એ ફિલ્મની કથા એવી હતી કે એક બિઝનેસ ટાઇકૂનના દીકરા અરુણ શર્મા (રાજકિરણ)ની પત્ની કરુણા (પૂનમ ધિલ્લોન) ઊંચી બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લે છે. એ કેસની તપાસ કરનારા પોલીસ ઇન્સ્પેક્ટર શાહનવાઝ ખાન (કબીર બેદી)ને લાગે છે કે આ કિસ્સો આત્મહત્યાનો નથી, પણ ખૂનનો છે. તે ઊંડી તપાસ હાથ ધરે છે ત્યારે તેને ખબર પડે છે કે કરુણાના પિતા રામ સ્વરૂપ (એ. કે. હંગલ)ની કરોડો રૂપિયાની જમીન કરુણાનો સસરો કિશન પડાવી લેવા માગતો હતો. આ તપાસ આગળ ન વધે એટલે કરુણાનો પાવરફુલ સસરો કોશિશ કરે છે અને હોમ મિનિસ્ટર પણ તેને છાવરે છે. એ સ્થિતિમાં ન્યાય મેળવવા માટે કરુણાની બહેન ઉષા (શીખા સ્વરૂપ) તેના પ્રેમી શ્યામની મદદ માગે છે. એ પછી તે બન્ને રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને તેમની મદદ માગે છે. ચીફ જસ્ટિસ એ પત્રને રિટ પિટિશન ગણીને સીબીઆઇ તપાસનો આદેશ આપે છે અને સીબીઆઇ ઑફિસર જગમોહન આઝાદ (રાજકુમાર) કરુણાનાં મોત માટે જવાબદાર ગુનેગાર સુધી પહોંચે છે.

એ ફિલ્મમાં પૂનમ ધિલ્લોનની બહેન ઉષાના પ્રેમી શ્યામના રોલ માટે શાહરુખનું નામ પ્રાણલાલ મહેતાએ વિચાર્યું હતું અને શાહરુખ એ ફિલ્મ કરવા માટે આતુર હતો.

એ પાત્ર માટે પ્રાણલાલ મહેતાએ શાહરુખ ખાનનું નામ પણ વિચાર્યું હતું. તેમણે એક દિવસ શાહરુખને પોતાની ઑફિસે આવીને મળવા માટે સમય આપ્યો. શાહરુખ નિશ્ચિત સમયે પ્રાણલાલ મહેતાની ઑફિસે પહોંચ્યો એ સમયે પ્રાણલાલ મહેતા જૂની ફિલ્મોના વિલન અજિતના દીકરા અરબાઝ અલી ખાન સાથે બેઠા હતા. શાહરુખે ઘણી રાહ જોઈ, પણ પ્રાણલાલ મહેતાની અરબાઝ અલી ખાન સાથેની મીટિંગ લાંબી ચાલી. રાહ જોઈ-જોઈને શાહરુખ અકળાયો અને ત્યાંથી નીકળી ગયો.

એ ફિલ્મમાં છેવટે પ્રાણલાલ મહેતાએ શીખા સ્વરૂપના પાત્રના પ્રેમીનો રોલ અરબાઝ અલી ખાનને આપ્યો હતો. અરબાઝ અલી ખાન ચાર-પાંચ ફિલ્મો કરીને ગાયબ થઈ ગયો હતો અને શાહરુખ ખાન એ પછીનાં થોડાં જ વર્ષોમાં અત્યંત સફળ અભિનેતા બની ગયો અને પછી તો સુપરસ્ટાર બની ગયો!

Shah Rukh Khan bollywood news entertaintment