શાહરુખ ખાને સ્ટાફ માટે રેન્ટ પર લીધો મહિને સવા લાખ ભાડું ધરાવતો ફ્લૅટ

11 June, 2025 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ અને ગૌરીએ પોતાના સ્ટાફ માટે પણ પાલી હિલ વિસ્તારમાં પોતાના અપાર્ટમેન્ટની નજીક બે બેડરૂમનો એક વૈભવી ફ્લૅટ ભાડે રાખ્યો છે

શાહરુખ ખાન

બાંદરાના બૅન્ડ-સ્ટૅન્ડ ખાતે આવેલા શાહરુખ ખાન અને ગૌરીના ઘર ‘મન્નત’નું રિનોવેશન ચાલી રહ્યું છે એને કારણે શાહરુખ પોતાના પરિવાર સાથે એપ્રિલથી મુંબઈના પાલી હિલમાં આવેલા પૂજા કાસા બિલ્ડિંગના ડુપ્લેક્સમાં શિફ્ટ થઈ ગયો છે અને તે ત્રણ વર્ષ સુધી એ ડુપ્લેક્સમાં રહેશે. હવે રિપોર્ટ પ્રમાણે શાહરુખ અને ગૌરીએ પોતાના સ્ટાફ માટે પણ પાલી હિલ વિસ્તારમાં પોતાના અપાર્ટમેન્ટની નજીક બે બેડરૂમનો એક વૈભવી ફ્લૅટ ભાડે રાખ્યો છે જેને માટે તે મહિને ૧.૩૫ લાખ રૂપિયા ભાડું ચૂકવી રહ્યા છે.

રિપોર્ટ પ્રમાણે શાહરુખ અને ગૌરીએ તેમના અપાર્ટમેન્ટથી ૧૦૦ મીટરના અંતરે આવેલી પંકજ સોસાયટીમાં સ્ટાફ માટે એક ફ્લૅટ ભાડે લીધો છે. આ ફ્લેટ ૭૨૫ સ્ક્વેર ફુટનો છે. શાહરુખ અને ગૌરીએ આ ફ્લૅટ મહિનાના ૧.૩૫ લાખ રૂપિયાના ભાડે લીધો છે.

આ ફ્લૅટ માટે ૧૪ મેએ ૩ વર્ષનું લીઝ ઍગ્રીમેન્ટ રજિસ્ટર કરવામાં આવ્યું છે અને આ ડીલ માટે સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે ૪.૦૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ઍગ્રીમેન્ટ મુજબ મકાનમાલિક દર વર્ષે આ ફ્લૅટનું ભાડું પાંચ ટકા વધારશે.

Shah Rukh Khan mannat pali hill bandra entertainment news bollywood bollywood news