20 June, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન અને એડ શીરન
શાહરુખ ખાન છેલ્લા કેટલાક દિવસથી તેની આગામી ફિલ્મ ‘કિંગ’ની અલગ-અલગ અપડેટ્સને કારણે ચર્ચામાં છે. હવે ચર્ચા છે કે લોકપ્રિય પૉપ સિંગર એડ શીરન ‘કિંગ’માં ગીત ગાઈને બૉલીવુડ પ્રવેશ કરવાનો છે. હાલમાં એડ શીરનનું ગીત ‘સફાયર’ રીલ્સમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ ગીતમાં એડ શીરન ગીતની કેટલીક લાઇન્સ પંજાબીમાં ગાતો જોવા મળે છે. હાલમાં એડે ‘સફાયર’નો એક બિહાઇન્ડ-ધ-સીન (BTS) વિડિયો શૅર કર્યો હતો, જેમાં તે પંજાબીમાં કેટલીક લાઇન્સ રેકૉર્ડ કરતો અને હિન્દીમાં ગીત વિશે વાત કરતો દેખાઈ રહ્યો હતો.
એક ફૅન-ક્લબ સાથેની વાતચીતમાં એડે સ્પષ્ટતા કરી છે કે તેણે શાહરુખ ખાનની બૉલીવુડ ફિલ્મ માટે હિન્દીમાં પણ ગીત ગાયું છે. એડની આ સ્પષ્ટતા પછી ચર્ચા છે કે તેણે શાહરુખની ‘કિંગ’માં ગીત ગાયું છે. શાહરુખ ખાનની ‘કિંગ’નું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. આમાં શાહરુખ સાથે તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે.