09 October, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શાહરુખે પોસ્ટમાં નાના પાટેકર સાથેની પોતાની પહેલી મુલાકાતનો કિસ્સો પણ યાદ કર્યો હતો. પોતાની પોસ્ટમાં શાહરુખે લખ્યું હતું, ‘જ્યારે હું તેમને પહેલી વાર મળ્યો ત્યારે તેમના પ્રભાવ અને સંકોચને કારણે હું મારા વાળ સાથે રમવા લાગ્યો હતો. તેમણે મારો હાથ હટાવી દીધો અને કહ્યું, હીરોની જેમ વાળ ન બનાવ... તું ઍક્ટર છે. તેઓ ક્યારેય તમારી ખુશામત કરતા નહોતા. તમે જે સાંભળવા માગતા હો એ ક્યારેય કહેતા નહોતા. તેઓ એ જ કહેતા હતા જે તમારે સાંભળવાની જરૂર હોય. આ જ નાના હતા. સીધાસાદા, થોડા કડક, પ્રામાણિક અને સૌથી સુંદર સ્મિત ધરાવતા. તેમની લાગણી વ્યક્ત કરવાની રીત પણ હંમેશાં થોડી વિચિત્ર હતી. પહેલાં તેઓ તમારા પર બૂમ પાડતા અને પછી ત્રીજી કે ચોથી વખત તમને ઠપકો આપ્યા બાદ અચાનક તમને સમજાતું કે તેઓ તમને ભેટી રહ્યા છે. તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા અને હું પણ તેમને એટલો જ પ્રેમ કરતો હતો. તેઓ મારા માર્ગદર્શક, શિક્ષક, ટીકાકાર અને મિત્ર હતા. કૅરમની રમતમાં તેઓ મારી સાથે અને તેમની આસપાસની દરેક વ્યક્તિ સાથે એક પછી એક રમત જીતતા જતા અને પોતાની જીતનો ભરપૂર આનંદ માણતા. નાના... તમારી તીવ્રતા, તમારું હાસ્ય, તમારું ગાંડપણ અને તમારો પ્રેમ હંમેશાં અમારી સાથે રહેશે. મારી માત્ર એટલી જ ઇચ્છા છે કે આપણી પાસે વધુ વાતચીત કરવાનો, વધુ એક વખત દલીલ કરવાનો, વધુ એક કપ ચા પીવાનો અને કૅરમની વધુ એક રમત રમવાનો સમય હોત. તમે માત્ર સિનેમાની દુનિયામાં જ નહીં, તમામ ભારતીયો અને સમગ્ર દુનિયાના લોકોના હૃદયમાં એક ખાલીપો છોડી ગયા છો. હું એટલું જ કહી શકું કે હું તમને ખૂબ યાદ કરીશ અને તમારા શબ્દોને અંતિમ સમય સુધી મારા હૃદયમાં સાચવી રાખીશ... હીરો બનવાની લાયમાં ઍક્ટરને ગુમાવી ન દેતો. નાના, તમારા આત્માને શાંતિ મળે અને અલ્લાહ તમને આશીર્વાદ આપે. સ્વર્ગ પણ તમારા આગમનથી ધન્ય થશે... એક અદ્ભુત અભિનેતા અને અજય કૅરમ ચૅમ્પિયનને ત્યાં સ્થાન મળશે. તમને ખૂબ પ્રેમ કરું છું અને ખૂબ યાદ કરીશ. મારા હીરો અભિનેતા, આટલું વહેલું જવાનું નહોતું. આત્માને શાંતિ મળે.’
મહેશ કાલેએ જણાવ્યું કે,"પહેલી વાર જ્યારે નાનાજી `કટ્યાર કાળજાત ઘૂસલી` જોવા આવ્યા ત્યારે શો પછી તેઓ મારી પાસે આવ્યા હતા. તેમની આંખમાં આંસુ હતાં અને કંઇ પણ બોલ્યા વગર જતાં રહ્યાં. તે મૌન કોઈપણ સમીક્ષા કરતાં વધારે બોલકું હતું. મને યાદ છે એકવાર હું ગાતો હતો અને તેઓ મારી સાથે બેસીને તબલા વગાડતા હતા, પછી ઊભા થઈને મને વળગી પડ્યા. આપણે એક મહાન કલાકાર ગુમાવ્યા છે અને મેં તો એક જિંદાદિલ શુભચિંતક ખોયા છે.
નાના પાટેકરના નિધન બાદ સલમાન ખાને મુંબઈમાં યોજાનારા પોતાના નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી મોકૂફ રાખી હતી. સલમાન ગઈ કાલે બાંદરા સ્થિત તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવાનો હતો પણ આયોજકોએ સત્તાવાર નિવેદન જાહેર કરીને કાર્યક્રમ મોકૂફ રાખવાની જાણકારી આપી હતી. સલમાન અને નાના પાટેકરે પોતાની કારકિર્દીમાં માત્ર એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેઓ ૧૯૯૬માં આવેલી સંજય લીલા ભણસાલીની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘ખામોશી : ધ મ્યુઝિકલ’માં સાથે જોવા મળ્યા હતા. આ પછી ‘વૉન્ટેડ’માં બન્ને સાથે કામ કરે એવી શક્યતા ઊભી થઈ હતી પણ નાના પાટેકરના વ્યસ્ત શેડ્યુલને કારણે આ ભૂમિકા બાદમાં પ્રકાશ રાજે ભજવી હતી.