20 June, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર અને શાહરુખ ખાન
શાહરુખ ખાનની ગણતરી બૉલીવુડના સુપરસ્ટાર તરીકે થાય છે. તેણે ફિલ્મી-દુનિયાના મોટા ભાગના પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું છે, પરંતુ અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકા ધરાવતી કોઈ ફિલ્મ કરી નથી. શાહરુખ અને અક્ષય બન્નેના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે અને તેઓ આ બન્ને સ્ટાર્સને એકસાથે જોવા માગે છે. પોતાના ફૅન્સની આ ઇચ્છાનો જવાબ આપતાં શાહરુખે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘હું આ વિશે આખરે શું કહી શકું, કારણ કે હું તેની જેમ ક્યારેય વહેલો નથી ઊઠતો. જ્યારે અક્ષય ઊઠે છે ત્યારે હું સૂઈ જાઉં છું. તેનો દિવસ પણ વહેલો શરૂ થઈ જાય છે. જ્યાં સુધી હું શૂટિંગ માટે કામ શરૂ કરું ત્યાં સુધીમાં તો તે પોતાનો સામાન પૅક કરીને ઘરે જતો રહે છે. હું રાતે જાગનારી વ્યક્તિ છું. ઘણા લોકો એવા હોય છે જેઓ મારી જેમ રાત્રે શૂટિંગ કરવાનું પસંદ નથી કરતા અને અક્ષય પણ એમાંથી જ એક છે. અક્ષય સાથે કામ કરવું ચોક્કસપણે મજેદાર હશે, પરંતુ અમે સેટ પર ક્યારેય મળી શકીશું નહીં. હું પણ અક્ષય સાથે કામ કરવાનું પસંદ કરીશ, પણ મને લાગે છે કે આવું થાય એ થોડું મુશ્કેલ છે, કારણ કે અમારો કામ કરવાનો સમય અલગ-અલગ છે.’