અબરામ મારો લવ-ગુરુ છે : શાહરુખ

12 December, 2015 05:24 AM IST  | 

અબરામ મારો લવ-ગુરુ છે : શાહરુખ



શાહરુખ ખાનને કિંગ ઑફ રોમૅન્સ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેને આ ટૅગ ખૂબ જ વિચિત્ર લાગે છે તેમ જ તે તેના સૌથી નાના દીકરા અબરામને લવ-ગુરુ તરીકે ઓળખાવે છે. આ વિશે વધુ જણાવતાં તે કહે છે, ‘મને આ ટૅગ ખૂબ જ વિચિત્ર લાગે છે. મારી ફિલ્મમાં હું પ્રેમ વિશે સારી વાતો કરું છું એટલે લોકો એવું માને છે કે હું રિયલ લાઇફમાં પણ એવો જ છું. જો તમે મને પર્સનલી ઓળખતા હો તો હું તમને પ્રેમી ટાઇપનો નહીં લાગુ.’

શાહરુખને ‘દિલવાલે’ની એક પ્રમોશનલ ઇવેન્ટમાં જ્યારે પૂછવામાં આવ્યું કે તે કોને લવ-ગુરુ તરીકે માને છે. આ વિશે જણાવતાં તે કહે છે, ‘મેં કદી વિચાર્યું નથી કે મારો લવ-ગુરુ કોણ હશે. કદાચ મેં એ ઉંમર વટાવી દીધી છે જેમાં હું વિચારી શકું કે મારો લવ-ગુરુ કોણ હોઈ શકે.’

આ સમયે કાજોલે વાતમાં વચ્ચે ટાપસી પુરાવતાં કહ્યું હતું કે ‘તારો લવ-ગુરુ અબરામ છે.’

આ સાંભળી શાહરુખે વધુમાં જણાવતાં કહ્યું હતું કે ‘સારું, મારો લવ-ગુરુ અબરામ છે. હું હવે તે જે કરે એને અનુસરીશ, પરંતુ હા એ ખૂબ જ પ્રેમાળ છે. હું માનું છું કે પ્રાણીઓ પણ સારા લવ-ગુરુ હોઈ શકે છે. બાળકો અને પ્રેમીઓ તમને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરે છે. નાનાં બાળકો ખૂબ જ પ્રેમાળ હોય છે. તેમનો પ્રેમ એકદમ નિ:સ્વાર્થ હોય છે.’

શાહરુખની દીકરી સુહાના અને અબરામે લગભગ દોઢ કલાકની ‘દિલવાલે’ જોઈ હતી. આ વિશે જણાવતાં તે કહે છે, ‘અબરામ અને સુહાનાએ ‘દિલવાલે’ દોઢ કલાકની રફ-કટ ફિલ્મ જોઈ હતી. સુહાના આ લવ સ્ટોરી જોઈને ખૂબ જ સરપ્રાઇઝ થઈ ગઈ હતી. તેને ફિલ્મની સ્ટોરીલાઇન ખૂબ જ પસંદ પડી હતી. મને ખબર નથી અબરામને આ ફિલ્મ જોઈને શી સમજ પડી હશે, પરંતુ તે ફિલ્મ જોતી વખતે મારી બાજુ જોઈને કહેતો કે પાપા. તેણે ફિલ્મને ઘણી એન્જૉય કરી હતી. હું ખૂબ જ આશ્ચર્યમાં હતો કે તેણે દોઢ કલાક સુધી બેસીને આ ફિલ્મ જોઈ હતી. તે ઘણી વાર તાળીઓ પણ પાડતો અને કેટલીક વાર બધા શાંત બેઠા હોય ત્યારે ઓહહહહ કરીને અવાજ કરતો. એ ક્ષણ ખૂબ જ રમૂજપૂર્ણ હતી.’