મુફાસાની જેમ હું પણ અડધો અનાથ છું

08 December, 2024 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ લાયન કિંગમાં કિંગ મુફાસાને અવાજ આપ્યો છે શાહરુખ ખાને

ફાઇલ તસવીર

બૉલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાને ડિઝની મૂવીઝની ‘ધ લાયન કિંગ’ના હિન્દી વર્ઝનમાં મુફાસાના પાત્ર માટે અવાજ આપ્યો છે. આ અવાજ આપતી વખતે શાહરુખ ખાને તેના અને મુફાસાના પાત્ર વચ્ચેની સરખામણી કરી હતી અને કહ્યું હતું કે તેની જેમ હું પણ અડધો અનાથ છું. ફિલ્મના પ્રમોશનલ વિડિયોમાં શાહરુખ ખાન તેની અને મુફાસાની લાઇફ કેવી સરખી છે એની વાત કરે છે.

હું સેમી-ઑર્ફન છું

પોતાના જીવન વિશે બોલતાં શાહરુખ ખાને કહ્યું હતું કે ‘મુફાસાની જેમ હું પણ સેમી-ઑર્ફન એટલે કે અડધો અનાથ છું, બહારનો છું અને અહીં આવીને મહેનતથી અને કામ કરીને જગ્યા બનાવી છે. હું નમ્રતાથી કહું છું કે મેરી કહાની ભી ઐસી હૈ, એ એકદમ ફિટ બેસે છે.

ટે​ક્નિકલી વાત કરીએ તો જેના પેરન્ટ્સ નથી હોતા તેમને અનાથ (ઑર્ફન) કહેવામાં આવે છે. મેં મારાં માતા-પિતાને યુવાવસ્થામાં જ ગુમાવી દીધાં હતાં એટલે હું સેમી-ઑર્ફન છું. મુફાસાની સ્ટોરી પણ એક આઉટસાઇડરની સ્ટોરી છે. મારા પરિવારની કોઈ વ્યક્તિ પણ ફિલ્મ-મેકિંગ બિઝનેસમાં નથી. હું દિલ્હીથી મુંબઈ આવ્યો, આમ હું પણ આઉટસાઇડર છું. તેની પણ કિંગની વાત છે અને હા, હું પણ કિંગ છું (હસે છે).’

બલિદાન અને નેતૃત્વની વાત

મુફાસાના પાત્રનું ડબિંગ કરતી વખતે શાહરુખ ખાનના ધ્યાનમાં આવ્યું કે તેનામાં વફાદારી, મિત્રભાવ અને બલિદાનનાં મૂલ્યો કહેવાયાં છે અને આવાં મૂલ્યો તેના જીવનમાં પણ છે. આ મુદ્દે તેણે કહ્યું કે ‘તમે જ્યારે મુફાસા કેવી રીતે કિંગ બન્યો એની સ્ટોરી જુઓ તો તમને એ ખૂબ જ રસપ્રદ લાગશે. આ ફિલ્મમાં એવી ઘણી બાબતો છે જેના ડબિંગ વખતે મારા ધ્યાનમાં આવ્યું કે મુફાસા કેટલું મહાન કૅરૅક્ટર છે.’

માતા-પિતા ગુમાવ્યાં

દુબઈમાં એક ઇવેન્ટમાં શાહરુખ ખાને કહ્યું હતું કે ‘મેં યુવાવસ્થામાં જ માતા-પિતા ગુમાવી દીધાં હતાં. હું જ્યારે ૧૪ વર્ષનો હતો ત્યારે મેં પિતાને ગુમાવ્યા હતા અને ૨૪ વર્ષનો હતો ત્યારે મમ્મી ગુમાવી હતી. આમ દસ વર્ષના સમયગાળામાં મેં બન્નેને ગુમાવી દીધાં હતાં. મારી પાસે દુનિયામાં બીજે ક્યાંય જવા જેવું સ્થળ નહોતું. મારી પાસે મારી બહેન હતી, માત્ર અમે બે આ દુનિયામાં રહ્યાં હતાં.’

Shah Rukh Khan upcoming movie dubai entertainment news bollywood bollywood news