01 February, 2022 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાન
શાનનું કહેવું છે કે કેટલાય સિંગર્સ અરિજિત સિંહ જેવો અવાજ કાઢવાનો પ્રયાસ કરે છે અને એમાં પોતાની જ ઓળખ ગુમાવી બેસે છે. શાનનું સૂફી સિંગલ ‘રંગ લે’ લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે. વર્તમાનમાં સિંગર્સ પર જે પ્રેશર છે એ વિશે શાને કહ્યું કે ‘કોઈ ચોક્કસ સિંગર જેવો અવાજ હોય એનું અતિશય પ્રેશર ખાસ કરીને છોકરાઓ પર હોય છે. એમાં સિંગર્સનો કોઈ દોષ નથી. દરેક જણ અરિજિત સિંહ જેવો અવાજ કાઢવાનો પ્રયાસ કરે છે અને પોતાની ઓળખ નથી બનાવી શકતા. ૮૦ અને ૯૦ના દાયકામાં દરેક સિંગરનો કિશોરકુમાર અને મોહમ્મદ રફી જેવો અવાજ હોવો જરૂરી હતો. સોનુ નિગમ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે પણ એ પ્રેશર તો હતું જ. જોકે જ્યારે કુણાલ ગાંજાવાલા, કેકે અને મારી એન્ટ્રી થઈ તો ત્યારે કોઈના જેવો અવાજ હોય એવું પ્રેશર નહોતું. હવે ફરીથી એની શરૂઆત થઈ ગઈ છે. દરેક જણ અરિજિત સિંહ જેવો અવાજ કાઢવાનો પ્રયાસ કરે છે. એના કારણે તેમની ખરી ઓળખ ઢંકાઈ જાય છે. લોકો જ્યારે ગીતો બનાવે ત્યારે વિચારે છે કે કયાં ગીતો હિટ જશે. તેમને લાગે છે કે જો ચોક્કસ પ્રકારનાં ગીતો કામ કરી જાય છે તો ચાલો એવાં જ ગીતો બનાવીએ. એવામાં બેવફાઈનાં આપણી પાસે ઘણાં ગીતો બની ગયાં છે. એ બધાનો શું અર્થ છે? આવાં ગીતો લાંબા સમય સુધી નથી ટકતાં.’