ભૂલભુલૈયા 2 અને થેંન્ક ગૉડ જેવી ફિલ્મોના રાઇટર આકાશ કૌશિક `રાઇટર્સ બ્લોક` અંગે કહે છે આમ

09 November, 2022 02:01 PM IST  |  Mumbai | Chirantana Bhatt

આકાશ કૌશિક ઋષિકેશ મુખર્જી, રાજકુમાર હિરાણીના અને રોબર્ટ વિન્લીના ફેન છે. તેમના મનપસંદ રાઇટર્સ છે સલીમ જાવેદ કારણકે તેમનું કહેવું છે, એમણે આપણને, આપણી ફિલ્મોને એક નવી જ ઓળખ આપી છે.

આકાશ કૌશિક - તસવીર સૌજન્ય - પીઆર

આકાશ કૌશિક આમ તો ડૉક્ટર્સના પરિવારમાંથી આવે છે પણ જેમ સામાન્ય રીતે બનતું હોય છે કે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર જ બને એવું અહીં ન થયું. આમ તો ઘણાં વખતથી આકાશ લેખન સાથે જોડાયેલા છે પણ ‘ભૂલભુલૈયા2’ અને ‘થેંક ગોડ’ જેવી ધુંઆધાર ફિલ્મોના રાઇટર તરીકે તેમણે નવી ઉંચાઇઓ સર કરી છે.

ગુજરાતી મિડ- ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે પહેલાં તો ડૉક્ટર ન બનવાથી, લેખક બનવા સુધીની જર્ની વિશે વાત કરી. તેમણે કહ્યું, ‘મને લોહી જોઇને જ કંઇ થઇ જાય – હવે આવામાં હું ક્યાંથી ડૉક્ટર બનવાનો. વળી એટલું જ નહીં મને વાંચવાનો અને લખવાનો શોખ હતો. મારા પેરન્ટ્સ બહુ સપોર્ટિવ છે. સિનેમાનું સ્ટોરી ટેલિંગ મને હંમેશાથી આકર્ષતું રહ્યું છે અને મને જેની પૅશન છે તેને જ મેં મારી પ્રોફેશન બનાવી.’

ભૂલભુલૈયા 2ની વાત કરતાં તેમણે કહ્યું, ‘ડાર્ક કોન્ટેન્ટ તો બહુ જ બને છે, જાતભાતનું ક્રાઇમ – થ્રિલર અને હોરર કોન્ટેટ આપણને જોવા મળે છે. પણ પૅન્ડેમિક પછી લોકોને હળવાશ અનુભવવાની જાણે જરૂર વર્તાઇ અને ભૂલભુલૈયા 2 મારો ઓરિજિનલ કોન્સેપ્ટ હતો, તે એક પૈસા વસૂલ ફિલ્મ હોય એ જ રીતે મેં એ લખી હતી અને જ્યારે મોટા લોકો તેમાં પૈસા રોકતા હોય, તેના મેકિંગ માટે ત્યારે એક લેખક તરીકે મારી જવાબદારી પણ વધી જાય.’ રાઇટર્સ બ્લૉકની વાત કરતાં તે કહે છે, ‘જે દિવસે મને એમ લાગે કે મને કંઇ સૂજતું નથી એ દિવસે હું ન જ લખું. હું તો ફેલો રાઇટર્સને પણ એમ જ કહીશ કે જ્યારે મેન્ટલ બ્લોક આવે તો જાતને ફોર્સ નહીં કરવાનો. લેખન કાર્ય એવું છે જેમાં તમે એકલા જ છો અને માટે જ જરા થોભીને શ્વાસ લેવો જરૂરી બને છે.’

આકાશ કૌશિક ઋષિકેશ મુખર્જી, રાજકુમાર હિરાણીના અને રોબર્ટ વિન્લીના ફેન છે. તેમના મનપસંદ રાઇટર્સ છે સલીમ જાવેદ કારણકે તેમનું કહેવું છે, ‘એમણે આપણને, આપણી ફિલ્મોને એક નવી જ ઓળખ આપી અને માટે જ મને તેમનાં સર્જનો ગમે છે. આપણને જાણે આપણી દુનિયાની શરમ હોય એવો અભિગમ હતો જે સલીમ-જાવેદના લખાણોએ બદલ્યો.’ઓહ માય ગોડની રિલિઝ પહેલાં કોન્ટ્રોવર્સી થઇ હતી, આ અંગે તેમનું કહેવું છે, ‘રિલીઝ થઇ પછી કોઇએ કંઇ વિવાદ ન કર્યો અને તે બતાડે છે એ બધો ઘોંઘાટ નકામો હતો. એક લેખક કે સર્જક તરીકે આવા ઘોંઘાટ પ્રત્યે આપણે બહુ સિરિયસ ન થવું કારણકે ઘણીવાર લોકો અમસ્તા જ ટાર્ગેટ કરતા હોય છે, હંગામો ઉભો કરે છે જેની કોઇ જરૂર નથી હોતી.’

આકાશ કૌશિકને એવી સ્ક્રીપ્ટ પર કામ કરવાનું ગમે છે જેનું ઝોનર એક્સાઇટિંગ હોય. જેની વન લાઇન એકદમ જોરદાર હોય. તે કહે છે, ‘ઘણાં સારા ડાયરેક્ટર્સ છે, હું દસેક વર્ષથી આ ફિલ્ડમાં છું, લોકોને મળતો રહ્યો, મારા કોન્સેપ્ટની વાત કરતો રહ્યો. મારું માનવું છે કે બધો કમાલ આઇડિયાઝનો જ છે.’

 

bhool bhulaiyaa bollywood news entertainment news