અક્ષયકુમાર સાથે ​‘મિશન સિન્ડ્રેલા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરશે સરગુન મેહતા

10 July, 2022 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે ઘણી પ્રસિદ્ધ છે

સરગુન મેહતા

સરગુન મેહતા ​‘મિશન સિન્ડ્રેલા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર જોવા મળશે. પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે ઘણી પ્રસિદ્ધ છે. યોગ્ય રોલની રાહ જોવા વિશે સરગુન મેહતાએ કહ્યું કે ‘યોગ્ય રોલની રાહ જોવી ખૂબ અગત્યનું છે. એનાથી કોઈ ફરક નથી પડતો કે તમે શું કામ કરવાનાં છો. ખાસ કરીને ત્યારે જ્યારે મીડિયમ નવું હોય, કારણ કે તમારા માટે ત્યાં નવા દર્શકો હોય છે. તેઓ તમને સમજે છે અને ચોક્કસ પ્રકારે તમારા પ્રત્યે અપેક્ષા રાખે છે. પછી ભલે ઇન્ડસ્ટ્રીએ તમારા માટે ધારણા બાંધી રાખી હોય. મેં જ્યારે આ ફિલ્મની પસંદગી કરી ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે મારે ફક્ત શોભાનું પૂતળું બનીને નથી રહેવું. સારું હોય કે ખરાબ, મારા પાત્રની ચર્ચા કરવામાં આવે એ મારા માટે અગત્યનું હતું.’
પંજાબી અને બૉલીવુડ વચ્ચે તફાવત હોવાનું જણાવતાં સરગુન મેહતાએ કહ્યું કે ‘પંજાબી ઇન્ડસ્ટ્રી હજી પણ રૉ છે. સ્પષ્ટપણે કહું તો ઇન્ડસ્ટ્રી એના પર કામ કરી રહી છે. એ હજી પણ વિકાસ કરી રહી છે. અમે હજી પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે લોકોને શું ગમે છે અને લોકોને ભવિષ્યમાં શું ગમી શકે છે. ક્યારેક ફિલ્મો તમારી અપેક્ષા કરતાં પણ વધુ સારી બની જાય છે. એની કોઈ ખાસ સ્ટ્રૅટેજી નથી હોતી. લોકો એમ વિચારે છે કે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનુશાસન કે પછી કોઈ માળખું નથી હોતું. હું મારા જીવનમાં ખૂબ ડિસિપ્લિન રાખું છું, પરંતુ મને નથી લાગતું કે ક્રીએટિવ ક્ષેત્રે આવું કંઈ હોય. હું દરેક ક્ષેત્રમાં એન્જૉય કરું છું.’ અક્ષયકુમાર સાથે આ ફિલ્મ મળતાં સરગુન ખૂબ ખુશ છે. એ વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં સરગુને કહ્યું કે ‘પહેલી વખત તો હું ખૂબ ગભરાઈ ગઈ હતી. હું એક્સાઇટેડ હતી, કારણ કે બૉલીવુડનો મારો આ પહેલો પ્રોજેક્ટ છે અને એ પણ અક્ષયસર સાથે છે. દરેક બાબતથી મને કંપારી છૂટતી હતી અને હું તમને જણાવી નથી શકતી કે મેં મારો પહેલો શૉટ કેવી રીતે આપ્યો હતો. મને એવું લાગ્યું કે હું પડી ભાંગીશ. એ રફ ઍન્ડ ટફ રોલ છે. હું વિચારતી હતી કે કેવી રીતે એ કરીશ. હું ખૂબ ડરી ગઈ હતી અને આશા છે કે એ સારો બન્યો હોય.’

entertainment news bollywood bollywood news upcoming movie akshay kumar sargun mehta