સલમાન, શાહરુખ કે અજય સાથે ફરી કામ કરવામાં કોઈ વાંધો નથી - ભણસાલી

03 October, 2011 09:10 PM IST  | 

સલમાન, શાહરુખ કે અજય સાથે ફરી કામ કરવામાં કોઈ વાંધો નથી - ભણસાલી

 

સંજય પોતે પ્રોડ્યુસ કરેલી ‘માય ફ્રેન્ડ પિન્ટો’ તથા ‘રાઉડી રાઠોડ’ જેવી ફિલ્મો વિશે અને ‘માય ફ્રેન્ડ પિન્ટો’માં તેણે પહેલાં નક્કી કરેલા રણબીર કપૂરને બદલે પ્રતીકને સાઇન કરવાના પોતાના નર્ણિય વિશે વાત કરતાં કહે છે, ‘માય ફ્રેન્ડ પિન્ટો’ અને ‘રાઉડી રાઠોડ’ એવી ફિલ્મો છે જેને પ્રોડ્યુસ કરવાનું મને પસંદ છે, પણ હું પોતે આવી ફિલ્મો બનાવી શકું એમ નથી.

 

સંજય લીલા ભણસાલીએ એક સમયની તેની કટ્ટર દુશ્મન ફારાહ ખાનને પણ પોતાની બહેનની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મમાં સાઇન કરી છે


મારામાં આ પ્રકારની ફિલ્મો ડિરેક્ટ કરવા માટે જે ઍટિટ્યુડ હોવો જોઈએ એ ઍટિટ્યુડ જ નથી. જ્યાં સુધી ‘માય ફ્રેન્ડ પિન્ટો’માં રણબીરને સાઇન કરવાનો સવાલ છે તો રણબીર એવો ઍક્ટર છે જેને હું માધુરી દીક્ષિતની જેમ મારી બધી ફિલ્મોમાં લેવા ધારું છું, પણ એવું થઈ શકતું નથી. ‘માય ફ્રેન્ડ પિન્ટો’ તો મેં રણબીરને ઑફર પણ નથી કરી. આ માત્ર પ્રતીકની ફિલ્મ છે. પ્રતીક જે રીતનું વર્તન કરે છે એ જોઈને મને લાગ્યું હતું કે આ રોલ માટે તે પર્ફેક્ટ પસંદગી છે. પ્રતીક ક્યારેય મિજાજ નથી ગુમાવતો અને તેને બિલકુલ ઈગો નથી. મને આ રોલ માટે એવા કલાકારની જરૂર હતી જેની કોઈ ઇમેજ ન હોય.’

સામાન્ય છાપ એવી છે કે સંજય લીલા ભણસાલીને તેની ફિલ્મના કલાકારો સાથે નથી બનતું. જોકે સંજય પોતે આ વાતનો ઇનકાર કરે છે અને તેની આ વાત સાચી માનવાનું મન પણ થાય છે, કારણ કે તેણે પોતાની બહેન બેલાની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘શિરી ફરહાદ’માં મુખ્ય ભૂમિકામાં તેની એક સમયની કટ્ટર દુશ્મન ફારાહ ખાનને સાઇન કરી છે. ફારાહ અને સંજય વચ્ચે તેમની ફિલ્મો અનુક્રમે ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘સાંવરિયા’ની રિલીઝ વખતે સંબંધો એકદમ વણસી ગયા હતા.

પોતાની ફિલ્મોના કલાકાર સાથેના સંબંધોની સ્પષ્ટતા કરતાં સંજય કહે છે, ‘સારી મિત્રતામાં ક્યારેય ખટાશ નથી આવતી અને બધી ગેરસમજ દૂર કરતાં એક મિનિટ કરતાં વધારે સમય પણ નથી લાગતો. ફારાહ અને મારી વચ્ચે બહુ ગાઢ મિત્રતા હતી એટલે અમે નાની ગેરસમજને બહુ લાંબી ખેંચવા નહોતાં માગતાં. જ્યાં સુધી અજય દેવગન, સલમાન ખાન અને શાહરુખ ખાન સાથેના મારા સંબંધોનો સવાલ છે ત્યાં સુધી મને તેમની સાથે ફરી વાર કામ કરવામાં કોઈ વાંધો નથી. મેં તેમની સાથે જે ફિલ્મો કરી છે એના શૂટિંગમાં મને બહુ મજા આવી છે.

ઘણી વાર સંપર્ક જાળવી નથી શકાતો, પણ એનો એ મતલબ નથી કે અમે ફરી ક્યારેય સાથે કામ નહીં કરીએ. આજે ભલે આ કલાકારો મારી સાથે કામ નથી કરી રહ્યા, પણ અમારી વચ્ચે કોઈ મનદુ:ખ નથી. જ્યારે મને તેમની જરૂર પડશે ત્યારે હું તો તેમને રોલ ઑફર કરીશ, પણ તેઓ મારી સાથે કામ કરશે કે નહીં એ વાતનો જવાબ તો તમને એ લોકો જ આપી શકશે.’